ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉનાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, આંકોલાળી ગામે ગૌચર સર્વે નંબર ૧ પૈકીમાંથી કોઈપણ પ્રકારની લીઝ મંજૂરી વગર લાઇમ સ્ટોનનું ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. મામલતદાર કચેરીની ટીમને મળેલી બાતમીના આધારે સ્થળ તપાસ કરતા આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો. સ્થળ પર હાજર ભાવેશભાઈ વીરાભાઈ નામની વ્યક્તિની પૂછપરછ કરતા તેમણે આ જગ્યાએથી લાઇમ સ્ટોનનું ખનન કરતા હોવાનું સ્વીકાર્યું હતું. ટીમ દ્વારા ભાવેશભાઈનું નિવેદન લઈ પંચરોજકામ કરવામાં આવ્યું હતું. ખનન થયેલા લાઇમ સ્ટોનનો ચોક્કસ જથ્થો નક્કી કરવા માટે સ્થળ માપણી કરવામાં આવશે. આ અંગે વધુ દંડનીય કાર્યવાહી હાથ ધરવા માટે ભૂસ્તરશાસ્ત્રી, ખાણ ખનિજ વિભાગ, ગીર સોમનાથને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે.