અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢીયાળા અને માવજીંજવા ગામમાં ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીના સંગ્રહ અને જતન દ્વારા ગ્રામ્ય અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રનો ખરો આધાર જળસંચય પર ટકેલો છે. ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીથી ચેકડેમ ઊંડા ઉતારવા, ખેત તલાવડીઓ બનાવવી અને બોર રિચાર્જ જેવા મહત્વના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “જો આપણે વરસાદી પાણીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકી શકીશું, તો જ ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે.” જળસંગ્રહ એ માત્ર આજની જરૂરિયાત નથી, પરંતુ આવનારી પેઢીને સુખી અને સંપન્ન બનાવવાનું એક ભગીરથ અભિયાન છે. સભામાં પાણીના એક-એક ટીપાની કિંમત સમજાવીને જમીનમાં ઉતારવાની વિવિધ પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમઢીયાળાના સરપંચ જીવરાજભાઈ ગઢિયા, માવજીંજવાના સરપંચ મહેશભાઈ શભારીયા સહિત અનેક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને જળસંચયના આ સેવાકાર્યમાં પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી








































