ગીરગઢડા તાલુકાના પીછવી ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. જેને લઈ અધિકારીઓ દોડતા થયા હતા. શાળાના આચાર્ય અને એક મહિલા શિક્ષિકા વચ્ચેના વિવાદને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે.
આ વિવાદ આચાર્ય અશ્વિનભાઈ દહીમા અને મહિલા શિક્ષિકા હર્ષાબેન ચોહાણ વચ્ચે આચાર્યના ચાર્જ બાબતે શરૂ થયો હતો. પરિસ્થિતિ વણસતા વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ શાળાએ ઉમટી પડ્‌યા હતા. તાળાબંધીને પગલે જિલ્લા શિક્ષણાધિકારી અશોક પટેલ પીછવી દોડી ગયા હતા અને ગ્રામજનો અને વાલી સાથે બેઠક કરી
હતી. ગ્રામજનોએ અધિકારી પાસે તમામ શિક્ષકોની બદલી કરી આપો તેમ લેખિતમાં માંગ્યું હતું. જોકે ગ્રામજનોની વાત સ્વીકારવામાં આવી નહોતી. ગામલોકોએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી બધા શિક્ષકોની બદલી ના કરવામાં આવે ત્યાં સુધી બાળકોને અભ્યાસ માટે નહીં મોકલીએ. આચાર્યને ગીરગઢડા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને હકીકત જાણવાનો પ્રયાસ કરાયો હતો.