ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પરિવાર દીકરીનું સગપણ નક્કી કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. વડવિયાળા ગામના અરસી ડોડીયાની પુત્રીનું સગપણ જોવા માટે તેમના પુત્ર નીતિન ડોડીયા, સનવાવ ગામના તેમના બનેવી સંજય સરવૈયા અને ભાભી જલ્પાબેન ડોડીયા આંકોલવાડી ગયા હતા. બપોરના એક વાગ્યાની આસપાસ વડવિયાળાથી નીકળી તેઓ સગપણ નક્કી કરી સાંજે પરત ફરી રહ્યા હતા. ગીરગઢડાથી વડવિયાળા તરફ આવતા રામેશ્વર પેટ્રોલ પંપ પાસે તેમના બાઈકને ટ્રેક્ટરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સંજય સરવૈયાનું તેમના સાળા નીતિનની નજર સામે જ કરુણ મોત થયું હતું. નીતિન ડોડીયા અને જલ્પાબેન ડોડીયાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.







































