ગીર-ગઢડા તાલુકાના મહોબતપરા ગામની રાવલ નદીના બેઠા પુલ નીચેથી એક સિંહનો મૃતદેહ મળી આવતાં વનવિભાગમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતા જ જસાધાર આરએફઓ એલ.બી. ભરવાડ સહિતનો વનવિભાગનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વન વિભાગ માટે આ એક ગંભીર અને ચિંતાજનક ઘટના છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, રાવલ નદીમાં પાણીનો પ્રવાહ નહિવત્ હોવાથી સિંહનું મૃત્યુ ડૂબી જવાથી થયું નથી. સિંહના ગળા પર ટ્રુકોલરનો પટ્ટો પણ દેખાઈ રહ્યો છે, જે સૂચવે છે કે આ સિંહ વનવિભાગ દ્વારા ટ્રેક કરવામાં આવતો હતો. વનવિભાગ હવે આ સિંહનું મૃત્યુ કયા સ્થળે અને કયા કારણોસર થયું તેની તપાસ કરી રહ્યું છે.