ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરો પર ધોંસ બોલાવાઈ રહી છે. ગીરગઢડા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા બેડિયા ગામેથી મંજૂરી વગર ગેરકાયદે ખનીજનું વહન કરતાં ઈસમોને ઝડપી પાડ્‌યાં હતા. ગામ નજીક દેસુરભાઇ ભેડાની માલિકીની જમીનમાંથી કોઇ૫ણ પ્રકારની લીઝ રોયલ્ટીની ૫રમીટ વગર ગેરકાયદે રીતે જે.સી.બી. તથા બે ટ્રેકટર દ્વારા હાર્ડ મોરમ ખનીજનું ખનન તથા વહન થતું હોવાનું જણાયું હતું. આથી રેઇડ કરતાં ગેરરીતિ જણાઇ હતી. ખનીજ ચોરીમાં હાર્ડ મોરમ ભરેલાં ટ્રેકટર (નં.જીજે-૧૩-એમ-૪૬૩૬) માલિક શામજીભાઇ ડાયાભાઇ વાણીયા તથા અન્ય ટ્રેકટર (નં.જીજે-૧૪-ઇ-૯૮૨૪)ના માલિક નાગજીભાઇ ડાયાભાઇ વાણીયાને ૫કડી વાહનો જપ્ત કર્યા હતાં. આ રેઈડ દરમિયાન જે.સી.બી.નો ડ્રાઇવર ચાવી લઇ જે.સી.બી. સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરી, આ જે.સી.બી. કબજે લેવામાં આવ્યું છે. આગળની કાર્યવાહીમાં તંત્ર દ્વારા આ જે.સી.બી.નાં માલિક/ઓ૫રેટરને રૂબરૂ હાજર થવા સમન્સ પાઠવવામાં આવશે. ખનીજ ચોરીમાં ઉ૫યોગમાં લેવાયેલ વાહનો જપ્ત કરી ભુસ્તરશાસ્ત્રી, ખાણ ખનીજ ખાતા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.