‘ટેહૂક… ટેહૂક… ટેહૂક…’ – ઘનઘોર વાદળાં જોઈ મોન્ટુ મોર ટહૂકવા લાગ્યો. હમણાં આવશે, હમણાં વરસશે એમ વિચારી મોન્ટુ હરખાતો હરખાતો થનગનાટ કરવા લાગ્યો. આમેય મોન્ટુને વરસાદ બહુ ગમતો. મોન્ટુના મીઠા ટહુકારથી આખુંય જંગલ ગૂંજી ઊઠ્‌યું. મોન્ટુનો ટહુકો સાંભળી ક્રેઝી કોયલને પણ મીઠાં ગીત ગાવાનું મન થયું. એણે પણ ગીત લલકાર્યું, ‘કુહૂ… કુહૂ… કુહૂ…’
મોન્ટુનું ‘ટેહૂક… ટેહૂક…’ ને ક્રેઝીનું ‘કુહૂ…કુહૂ…’ જંગલમાં ચારેકોર શોરબકોર છવાઈ ગયો. મોન્ટુ અને ક્રેઝીનો અવાજ સાંભળી ચીકુ ચકલીને પણ ચાનક ચઢી. એ પણ ‘ચીં… ચીં… ચીં…’ કરવા લાગી. ઠેકડા મારતી જાય ને ‘ચીં… ચીં…ચીં…’ કરતી જાય. બધાંનું ગીત સાંભળી કયૂટ કાબર વિચારવા લાગી, ‘આ મારી સખીઓ આજે કેમ ગીતડાં ગાતી હશે! લાવને હું પણ ગાઉં.’ એમ વિચારતાં કયૂટ કોયલ પણ ‘કલબલ કલબલ’ ગાવા લાગી.
ચીકુ ચકલીએ વિચાર્યું, ‘બધાં ભેગાં મળીને ગીત ગાઈએ તો કેવી મજા પડે! લાવને બધાંને એક જગ્યાએ ભેગાં થવાનું કહી દઉં!’ એમ વિચારી એણે બધાંને મેસેજ મોકલી દીધો. બધાંનો મોબાઈલ રણક્યો, ‘ટીકટીક… ટીકટીક…’ બધાંને ચીકુ ચકલીનો વિચાર ગમી ગયો. બધાં ઊડયાં ને પહોંચ્યાં મોટા ઘટાદાર વડલા નીચે.
મોન્ટુ આવ્યો, ક્રેઝી આવી, ચકુ ચકલી આવી ને કયૂટ કોયલ પણ આવી. ઘડીભરમાં વડલા નીચે પક્ષીઓની સભા ભરાઈ ગઈ. પિન્ટુ પોપટ તો સાથે ઢોલક પણ લઈ આવ્યો. થોડીવારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. પક્ષીઓને મજા પડી. મોન્ટુએ ગીત લલકાર્યું, ‘ટેહૂક… ટેહૂક… ટેહૂક…’ મોન્ટુ ગાતો જાય ને નાચતો જાય.
એક પછી એક બીજાં પક્ષીઓ પણ જોડાયાં. કલ્લુ કાગડો પણ ગાવા લાગ્યો, ‘કા… કા… કા…’ પિન્ટુ પોપટના ઢોલના તાલે સૌ ગાવા, કૂદવા ને નાચવા લાગ્યાં. એક બાજુ ઝરમર ઝરમર વરસાદ ને બીજું બાજુ પક્ષીઓનું મીઠું ગાન. ‘ટેહૂક… ટેહૂક… ટેહૂક…’, ‘કુહૂ… કુહૂ… કુહૂ…’, ‘ચીં… ચીં… ચીં…’, ‘કલબલ કલબલ’ ને ‘કા… કા… કા…’. આખુંય જંગલ પક્ષીનાદથી ગૂંજી ઊઠ્‌યું.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭