કામધેનુઃ કામ એટલે ઇચ્છા અને ધેનુ અટલે ગાય જે તમામ ઇચ્છા પૂર્ણ કરનારી હોય તેવી ગાયને કામધેનુ ગાય કહેવામાં આવે છે. કામધેનુ એટલે મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ ગુણ સંપન્ન ગાય. પુરાણ કથા પ્રમાણે ૧૪ રત્નો નીકળ્યા તેમાનું એક રત્ન એટલે કામધેનુ ગાય. આપણે ત્યાં પશુપાલકો વધારે ગાય રાખતા હોય છે. શરૂઆતના સમયમાં લોકો દેશી ગાય રાખતા હતા જે ભારત દેશની ગાય છે, તે સૌથી ઉત્તમ છે. તેનું દૂધ સર્વોત્તમ છે, જે લોકો ગાયનું દૂધ પીતા હોય તેમણે આપણા દેશની જ ગાયનું દૂધ પીવું જોઈએ. કેમકે તેમાં સૂવર્ણ નળી આવેલી છે, જેથી આ ગાયનું દૂધ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે, આના પર જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી જેવી અનેક યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો કરેલા છે, ઘણા પશુપાલકો વધારે કમાણી માટે હાઈબ્રીડ કે બ્રાઝીલની ગાયનું દૂધ વેચતા હોય છે. જેમાંથી કમાણી તો સારી થાય છે, પરંતુ ભારતીય ગાય સર્વોત્તમ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા ભારતીય ગાયનું જ દૂધ પીવું સર્વોત્તમ છે. કોઈપણ રોગોને દૂર કરવા માટે બે માધ્યમ છે. દેવનું આરાધન અને દવા. આ બન્ને બાબતો પંચગવ્યમાં સમાયેલ છે. યજ્ઞ યાગાદિ સમસ્ત ધાર્મિક અનુષ્ઠાન યજમાન અને આચાર્ય દ્વારા પંચગવ્યનું પાન કર્યા પછી જ પ્રારંભ કરવામાં આવે છે. કારણકે, આપણી અસ્થિઓમાં પણ પ્રવેશી ગયેલ પાપોને પંચગવ્ય એવી રીતે નાશ કરી નાખે જેવી રીતે અગ્નિ લાકડાને બાળી નાખે છે.
આ પ્રકારે આધ્યાત્મિક સંદર્ભમાં તો પંચગવ્યનો અત્યંત મહિમા છે. શારીરિક અને માનસિક રોગોને નિર્મૂળ કરી નાખવામાં તે અનુપમ છે. પંચગવ્યના ઘટક પદાર્થો, ૧) ગાયનું દૂધ ૨) ગાયના દૂધનું દહીં ૩) ગાયનું ઘી ૪) ગૌમુત્ર ૫) ગાયનું છાણ આ પાંચ વસ્તુઓ મળીને પંચગવ્ય કહેવાય છે. રોગ નિવારણ કરવામાં પંચગવ્યના ગુણોને વર્ણવતા આયુર્વેદના અનેક ગ્રંથો છે. ૧). ગાયનું દૂધઃ- ગાયનું દૂધ અત્યંત સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, રૂચિકર, બળવર્ધક, બુધ્ધિ આપનાર, આંખોનું તેજ વધારનાર, સંતોષ આપનાર, વીર્યવર્ધક, શરીરનું તેજ વધારનાર અને ઉત્તમ રસાયણના રૂપમાં સ્વીકારવામાં આવેલ છે. તે સાથે તે રક્તપિત, અતિસાર, જૂનો તાવ, મનોવ્યથા, ક્ષય, હૃદયરોગ, હરસ, પાંડુરોગ તેમજ આંતરિક બળતરા વગેરે રોગોમાં ઔષધનું કાર્ય કરે છે. ધારોષ્ણ દૂધનું સેવન સર્વરોગ વિનાશક માનવામાં આવે છે. ગાયના દૂધમાં દસ ગુણ હોય છે. સૂર્યોદયના સમયે દોહેલું દૂધ, બપોરના સમયે દોહેલું દૂધ અને સંધ્યા સમયે દોહેલું દૂધ તેનો પ્રભાવ અલગ અલગ હોય છે. આ પ્રકારનું વિશ્લેષણ ભાવ પ્રકાશ નામના ગ્રંથમાં વિસ્તૃત રીતે આપેલ છે. આધુનિક વૈજ્ઞાનિકોએ પણ ગાયના દૂધમાં વિટામીન એ, બી, સી, ડી, ઈ તથા અન્ય પોષકતત્વો છે તેમ સ્વીકાર્યું છે. ‘ગવા ક્ષીર રસાયનમ’ એટલે કે ગાયનું દૂધ રસાયણ છે. ૨) દહીં – ગાયના દૂધમાંથી બનાવેલ દહીંના ગુણ આ પ્રમાણે વર્ણવાયેલ છે. જો કે ગાયનું દહીં સ્નિગ્ધ, મધુર, પાચનશક્તિ વધારનાર, બળવર્ધક, વાયુને હરનાર, પવિત્ર અને રૂચિકારક હોય છે. જોકે ગાયના દહીંને અનેક ભયાનક રોગોને જડમૂળથી ખતમ કરનાર માનવામાં આવ્યું છે. તો પણ ખાસ કરીને વાયુને કારણે થયેલા હરસ, ત્રિદોષ, પેશાબના રોગો, પાંડુરોગ, પેટનો દુઃખાવો, આધાશીશી અને આંતરિક બળતરા જેવા અતિશય કષ્ટપ્રદ રોગો માટે રામબાણ ઔષધિ છે એટલું જ નહીં મધ, માખણ, પીપરમેન્ટના ગંઠોડા, સુંઠ, મરી, વય અને સિંધાલુણ – સમાન માત્રામાં લઈ તેટલી જ માત્રામાં ગાયના દૂધમાંથી બનાવેલ દહીંમાં મિશ્રણ કરી દર્દીને પીવડાવવાથી સર્પનું ઝેર પણ ઉતરી જાય છે. ગાયના દહીંમાંથી બનાવેલી છાશનો તો મહિમા જ અનેરો છે. કહેવામાં આવે છે કે ગાયના દૂધના દહીંમાંથી બનાવેલ છાશ તો ઈંન્દ્રને પણ દુર્લભ છે. ગાયના દહીંમાંથી બનાવાયેલ છાશનું સેવન કરવાથી પ્રમેહ, મેદસ્વીતા, સંગ્રહણી, અજીર્ણ, ભગંદર, વિષમ જવર, પેટમાં થતા કૃમિ, સોજો, અરૂચિ, પિતનો પ્રકોપ જેવા ભીષણ રોગોને નષ્ટ કરી રોગીને કાયમી આરોગ્ય આપે છે. ગાયના દહીંનું સેવન ઉનાળામાં અને વસંત ઋતુમાં ન કરવું જોઈએ. હેમંત, શિશિર અને વર્ષાઋતુમાં દહીં ખાવું તે ઉત્તમ મનાય છે. (ક્રમશઃ)
hemangidmehta@gmail.com