ગાઝા હવે પૃથ્વી પર નર્ક બની ગયું છે. અહીં જનજીવન બરબાદ થઈ ગયું છે. કોઈક રીતે તે નર્કમાં જીવ બચાવવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન, ગાઝાથી એક સમાચાર આવ્યા છે, જે ભારતીયો માનશે નહીં. ભલે બિસ્કીટનું આપણા માટે કોઈ ખાસ મૂલ્ય ન હોય, તે હજુ પણ ગાઝામાં જીવનનો આધાર છે. આપણે અહીં પાંચ રૂપિયામાં જે બિસ્કીટ ખરીદીએ છીએ, તેની કિંમત ગાઝામાં બે હજાર રૂપિયાથી વધુ છે.

યુદ્ધગ્રસ્ત ગાઝામાં ખાદ્ય પદાર્થોની અછત છે. અનાજની અછતે ભયંકર દુષ્કાળનું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાં ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ નથી. જો ઉપલબ્ધ હોય તો પણ તે મૂળ કિંમત કરતાં ૫૦૦ ગણા વધુ ભાવે વેચાઈ રહ્યા છે. પાંચ રૂપિયામાં મળતું પારલે જી બિસ્કીટ લગભગ ૨૩૦૦ રૂપિયામાં મળે છે. વિદેશી સહાયથી વસ્તુઓ પહોંચે તો પણ તે લોકો માટે અછત બની રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ગાઝાની વાયરલ થયેલી પોસ્ટમાં, એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, ત્યાં પારલે જી બિસ્કીટ ૨૪ યુરો (૨,૩૪૨ રૂપિયા) થી વધુમાં વેચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો બિસ્કીટની કિંમત જાઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારતીય બજારોમાં આ પારલે જી બિસ્કીટની કિંમત માત્ર પાંચ રૂપિયા છે.

મોહમ્મદ જવાદ નામના વ્યક્તિએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘લાંબી રાહ જોયા પછી, આજે મને આખરે રવિફના મનપસંદ બિસ્કીટ મળ્યા. ભલે કિંમત ૧.૫ યુરોથી વધીને ૨૪ યુરોથી વધુ થઈ ગઈ હોય, હું રવિફને તેના મનપસંદ બિસ્કીટનો ઇનકાર કરી શક્યો નહીં. મોહમ્મદ જવાદના મતે, ગાઝામાં પારલે જી બિસ્કીટનો ભાવ પહેલા ૧૪૬ રૂપિયા હતો. પરંતુ હવે તેની કિંમત ૨,૩૫૧ રૂપિયા થઈ ગઈ છે.

ઓક્ટોબર ૨૦૨૩ થી ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને કારણે, ગાઝામાં ખાદ્ય પદાર્થોની પહોંચ મોટી સંખ્યામાં ઘટી ગઈ છે. આ વર્ષે ૨ માર્ચથી ૧૯ મે દરમિયાન, ઘેરાયેલા પેલેસ્ટીનિયન પ્રદેશને લગભગ સંપૂર્ણ નાકાબંધીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર મર્યાદિત સંખ્યામાં માનવતાવાદી ટ્રકોને જ પસાર થવા દેવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગનાને તીવ્ર આંતરરાષ્ટÙીય દબાણ પછી જવા દેવામાં આવ્યા હતા.

ગાઝામાં ખાદ્ય પદાર્થોની ઓછી પહોંચ વચ્ચે, કાળાબજારી પણ ચરમસીમાએ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સહાય તરીકે મળતી ખાદ્ય પેટીઓ કાળાબજારમાં ઊંચા ભાવે વેચાઈ રહી છે. ઊંચા ભાવ ફક્ત પારલે-જી સુધી મર્યાદિત નથી. આવી ઘણી વસ્તુઓ છે જે ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહી છે. આજે ગાઝામાં ૧ કિલો ખાંડનો ભાવ ૪,૯૧૪ રૂપિયા છે અને ૧ કિલો બટાકાનો ભાવ ૧,૯૬૫ રૂપિયા છે.