શહેરના રખિયાલ વિસ્તારમાં બનેલા દુષ્કર્મ અને લૂંટના ચકચાર કેસમાં ગાંધીનગર જિલ્લા અદાલતે કડક ચુકાદો આપ્યો છે. કેસમાં સંડોવાયેલા આરોપી ગોવિંદ ઝાલાને કોર્ટે દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. સાથે જ આરોપીને કુલ રૂ. ૩૨,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ભોગ બનનાર વૃધ્ધાને રૂ. બે લાખનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો હતો.
આ કેસની હકીકત જાણીએ તો હકીકત એવી છે કે, ગત ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ની રાત્રી દરમ્યાન રખિયાલ વિસ્તારમાં આરોપી ગોવિંદ ઝાલા એ ૭૨ વર્ષની વૃદ્ધ મહિલાને બાઈક પર બેસાડી એકાંત જગ્યાએ લઈ જઈ તેની સાથે મારપીટ કરી, ગાળો બોલી અને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મહિલાના શરીર પરથી સોનાની બુટ્ટી, ચાંદીની ચેઈન અને પાયલ જેવી કિંમતી વસ્તુઓ લૂંટી ફરાર થયો હતો. આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન પોલીસે પુરાવાઓ એકત્રિત કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. કેસ દરમિયાન સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસે ૨૩ દસ્તાવેજી પુરાવા અને ૨૩ સાક્ષીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ફરિયાદી, પંચ સાક્ષીઓ, તપાસ અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત સાક્ષીઓની વિગતવાર પૂછપરછ બાદ કોર્ટએ આરોપીને દોષિત ઠેરવ્યો હતો. આરોપીએ વૃદ્ધ અને નિરાધાર સ્ત્રી નો વિશ્વાસઘાત કરીને માનવતા વિરુદ્ધનો ગંભીર ગુનો કર્યો છે. આવા ગુનાઓ સમાજમાં ભય અને અસુરક્ષા ફેલાવે છે, તેથી કડક સજા જરૂરી છે હોવાની પણ સરકારી વકીલે કોર્ટે સમક્ષ રજૂઆત કરી હતી. જજ એસ.વી. શર્મા સાહેબની કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, કડક સજા દ્વારા સમાજમાં દાખલો બેસે અને ભવિષ્યમાં આવા કૃત્યો અટકે તે જરૂરી છે. આ ચુકાદા સાથે પીડિતાને ન્યાય મળ્યો હોવાનો સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કાયદાની કડક કાર્યવાહી અને અદાલતના સખત વલણથી આવા ગુનાઓ સામે કડક સંદેશ છે.