ગાંધીનગર સ્થિતિત કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સમગ્ર કચેરી ખાલી કરાવવામાં આવી હતી અને કર્મચારીઓ તેમજ હાજર નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ પોલીસ વિભાગ અને પ્રશાસન એલર્ટ પર આવી ગયું હતું. ધમકી મળ્યાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. કચેરીના દરેક ખૂણાની બારીકીથી તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે કલેક્ટર કચેરી આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે અને અનાવશ્યક આવન-જાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને ધમકી સાચી છે કે ખોટી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
આજે સવારે ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની જિલ્લા અદાલતોને આરડીએકસ જેવા શક્તિશાળી વિસ્ફોટકોથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા રાજ્યભરમાં હડકંપ મચી ગયો હતો. ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી અને તમામ અદાલત પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે





































