ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રોગચાળો વકરતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ટાઇફોઇડના નવા ૬ કેસ નોંધાયા છે, જેને પગલે અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા ૨૧૮ પર પહોંચી ગઈ છે. દૂષિત પાણીના કારણે ફેલાયેલા આ રોગચાળાને પગલે હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જાવા મળી રહ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાલિકાને શહેરમાં પાણીની લાઈનોમાં ૫૮ જેટલા લિકેજ મળી આવ્યા છે. અત્યાર સુધી લેવામાં આવેલા ૬,૦૬૬ પાણીના સેમ્પલમાંથી ૧૩૬ સેમ્પલ ફેઈલ સાબિત થયા છે, જે દૂષિત પાણી પુરવઠાની પુષ્ટિ કરે છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે ૧૦ થી વધુ ડોક્ટરો અને ૧૦૦ થી વધુ ન‹સગ સ્ટાફને યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ટાઇફોઇડના કુલ ૨૧૮ કેસ નોંધાયા છે જેમાંથી ૪૧ દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જાકે રાહતની વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલોમાં બેડ અને દવાનો પૂરતો જથ્થો રાખવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.
મહાનગરપાલિકાની ટીમો હાલ ઘરે-ઘરે જઈને ક્લોરીનેશનની તપાસ કરી રહી છે. તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે પાણી ઉકાળીને પીવું અને બહારનો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું. દૂષિત પાણીના લિકેજ રિપેર કરવાની કામગીરી પણ પુરજાશમાં ચાલી રહી છે જેથી રોગચાળાને ફેલાતો અટકાવી શકાય.







































