મહાત્મા ગાંધીનું નામ ભૂંસવાની મથામણ થઈ રહી છે ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા)નું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે ‘વિકસિત ભારત-જી રામ જી’ કરી નાંખ્યું તેથી વિપક્ષો તૂટી પડ્યા છે. ભાજપ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ ભૂંસવાની મથામણ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે.
કાંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, મનરેગાનું નામ બદલવું એ મહાત્મા ગાંધીના વિચારોનું સીધું અપમાન છે અને સરકાર આડકતરી રીતે ગાંધીજીના નામને ભૂંસવાની કોશિશ કરી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તો સોશિયલ મીડિયા પોસ્ટમાં આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીના વિચારો અને ગરીબોના અધિકારો નડે છે તેથી મોદી સરકાર છેલ્લાં ૧૦ વર્ષથી મનરેગાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે અને હવે તેને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે. મમતા બેનરજીએ તો બંગાળમાં રોજગારી માટેની યોજનાને ગાંધીજીનું નામ આપીને નવો જ દાવ ખેલી નાખ્યો છે.
ભાજપ વિપક્ષોના આક્ષેપોને ખોટા ગણાવીને બચાવ કરી રહ્યો છે. વિધિની વક્રતા એ છે કે, એક સમયે ગાંધીજીને ગાળો આપનારાં કંગના રણૌત સહિતનાં લોકો ગાંધીજીનાં ગુણગાન ગાઈને સરકારનો બચાવ કરી રહ્યાં છે.
વિપક્ષોના આક્ષેપો અને સરકારના બચાવના કારણે ગાંધીજી પાછા ચર્ચામાં છે. ગાંધીજી વિરોધી માનસિકતાને પોષવા માટેની ગેંગ પાછી મેદાનમાં આવી ગઈ છે તેથી સોશિયલ મીડિયા પર પણ જંગ જામ્યો છે.
ગાંધીજીવિરોધી માનસિકતાને કોણ પોષે છે?
ભારતમાં એક વર્ગ આઝાદીની લડાઈમાં ગાંધીજીના યોગદાનને નગણ્ય માને છે અને ગાંધીજીના કારણે દેશને આઝાદી નહોતી મળી એવું સાબિત કરવા મથ્યા જ કરે છે. રસપ્રદ વાત એ છે કે, જે લોકોએ દેશની આઝાદીમાં ભાગ નહોતો લીધો એવા લોકોની વિચારધારાને અનુસરનારા આ મથામણ કર્યા કરે છે. તેમના પોતાના મલિન ઈરાદા છે અને પોતાની કાયરતાને છૂપાવવા માટે આ નમૂના આવી વાતો ભલે કર્યા કરતા પણ તેને કારણે ગાંધીજીનું યોગદાન નગણ્ય નથી બનતું.
ગાંધીજીને નગણ્ય માનવાની વિચારધારા કહેવાતાં હિંદુવાદી સંગઠનોની દેન છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામે ખાર છે એવા લોકો એવો પ્રચાર કરે છે કે, આઝાદીની લડાઈમાં ગાંધીજીના યોગદાન સામે શંકા કરનારી વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રબળ બનાવી. આ વાત ખોટી છે કેમ કે સંઘે ગાંધીજી વિરોધી પ્રચાર કર્યો નથી પણ સંઘના કેટલાક નેતા ચોક્કસપણે આ વિચારધારાના પ્રવર્તક છે.
સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો. ગાંધીજીના સત્યાગ્રહમાં વ્યક્તિગત રીતે જોડાયા હતા અને દેશની આઝાદીની લડાઈ વખતે જેલમાં પણ ગયા હતા. ડો. હેગડેવારની વિચારધારા ગાંધીજીવિરોધી નહોતી પણ પછીથી સંઘ પર હિંદુ મહાસભાના નેતા ચડી બેઠા તેથી ગાંધીજીનો તિરસ્કાર શરૂ થયો.
મુસ્લિમ વિરોધી માનસિકતા તેના મૂળમાં હતી. ડો. હેડગેવાર પછી સંઘના મુખિયા બનેલા માધવ સદાશિવ ગોળવેલકરે આ વિચારધારાને પોષવામાં યોગદાન આપ્યું તેથી સંઘનો એક વર્ગ ગાંધીજીનો વિરોધી બન્યો. આ વર્ગનાં લોકો ગાંધીજી વિશે એલફેલ બોલ્યા કરે છે, તેમના યોગદાન સામે પણ સવાલો ઉઠાવ્યા કરે છે. અનંતકુમાર હેગડે સહિતના સંઘમાંથી આવેલા નેતા તેનું ઉદાહરણ છે.
કર્ણાટકમાંથી સળંગ છ વાર ભાજપના સાંસદ રહી ચૂકેલા અનંતકુમાર હેગડેએ કહેલું કે, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં લડાયેલી આઝાદીની લડત અંગ્રેજોના સમર્થન અને અંગ્રેજોના ફાયદા માટે શરૂ થયેલું નાટક હતું. તેનો પુરાવો એ છે કે, આઝાદીની લડતના કહેવાતા નેતાઓને એક પણ વાર પોલીસે ફટકાર્યા નહોતા અને તેના પરથી સ્પષ્ટ છે કે, આઝાદીની લડત અંગ્રેજો દ્વારા લખાયેલી સ્ક્રીપ્ટના આધારે ચાલતી હતી. ગાંધીજી તથા કોંગ્રેસના નેતા અંગ્રેજોના એજન્ટ હતા ને અંગ્રેજોના ફાયદા માટે આઝાદીની લડત શરૂ કરી હતી.
હેગડેએ તો એમ પણ કહેલું કે, પોતે ઈતિહાસ વાંચે છે અને આ પ્રકારના લોકોને મહાત્મા કહેવાયેલા જુએ છે ત્યારે લોહી ઉકળી ઉઠે છે. ગાંધીજીને ભલે આખો દેશ મહાત્મા કહેતો હોય પણ ગાંધીજી મહાત્મા કહેવડાવવાને લાયક નહોતા.
સંઘમાંથી આવેલા ભાજપના એક નેતા અનિલ સૌમિત્રે તો ટિ્વટ કરેલી કે, ગાંધીજી તો પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. તેમના જેવા તો અહીં કરોડો પેદા થયા ને તેમાંથી કેટલાક કામના હતા તો કેટલાક નકામા હતા. હેગડે અને સૌમિત્ર જેવા સંઘ અને કહેવાતી હિંદુવાદી વિચારધારા સાથે જોડાયેલા બીજા નમૂના પણ છે કે જે આ પ્રકારની વાતો કર્યા કરે છે.
બીજો એક વર્ગ એવો છે કે જેને સંઘની કે બીજી કોઈ વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી કે નથી તેમણે ઈતિહાસ વાંચ્યો પણ રાજકીય ફાયદાને ખાતર એ લોકો ગાંધીજીને ભાંડ્યા કરે છે. અત્યારે ભાજપની સાંસદ કંગના રણૌત અને હવે ભૂતપૂર્વ સાંસદ બની ગયેલા પ્રજ્ઞા ઠાકુર સહિતના લોકો આ કેટેગરીમાં આવે છે.
૨૦૨૧માં કંગનાએ એક ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહેલું કે, દેશને અસલી આઝાદી ૨૦૧૪માં મળી જ્યારે ૧૯૪૭માં મળેલી આઝાદી તો ભીખ હતી. મતલબ કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી દેશને સાચી આઝાદી મળી.
ભાજપના જ સાંસદ વરૂણ ગાંધીએ સવાલ કરેલો કે, દેશની આઝાદી માટે લડનારા શહીદ મંગલ પાંડેથી માંડીને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર કરીને કંગના જે માનસિકતા બતાવી રહી છે તેને ગાંડપણ કહું કે દેશદ્રોહ ?
કંગનાએ ટિ્વટ કરીને વરૂણને જવાબ આપ્યો કે, મેં સ્પષ્ટ કર્યું છે કે, ૧૮૫૭માં લડાયેલી આઝાદીની પહેલી લડાઈને દબાવી દેવાઈ હતી. એ પછી બ્રિટિશ શાસને અત્યાચાર અને ક્રૂરતાને વધારી દીધા અને એક સદી પછી ગાંધીના ભીખના કટોરામાં આપણને આઝાદી આપી દીધી…..જાઓ અને રડ્યા કરો. કંગનાએ દેશના રાષ્ટ્રપિતા માટે ગાંધીજી શબ્દ વાપરવાના બદલે માત્ર ‘ગાંધી’ લખ્યું હતું.
પ્રજ્ઞા ઠાકુર સહિતના્ લોકો વરસોથી ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવીને તેનાં ઓવારણાં લીધા કરે છે. ગોડસેને હીરો બનાવવા માટે કાર્યક્રમો પણ કરે છે. ગાંધીજી મુસ્લિમોની અયોગ્ય રીતે તરફદારી કરીને હિંદુ-સીખોને અન્યાય કરતા હતા તેથી ગાંધીજીની હત્યા કરીને ગોડસેએ કશું ખોટું કર્યું નથી એવો પ્રચાર પૂરજોશમાં કરે છે.
ભાજપ આ વાતોને સમર્થન નથી આપતો પણ આ પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે છે. કંગનાના ગાંધીજી વિરોધી વલણ છતાં તેને લોકસભાની ટિકિટ આપીને સાંસદ બનાવાઈ. હેગડે કે પ્રજ્ઞા સહિતના નેતાઓ સામે કદી કોઈ કાર્યવાહી ના કરાઈ.
ગાંધીજીનું નામ કેમ ભૂંસાતું નથી ?
નાથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારીને હત્યા કરી નાખી તેથી ગાંધીજી નશ્વર દેહે આપણી વચ્ચે ના રહ્યા પણ ગોડસે અને ગોડસેને ગોડ માનનારા ગાંધીજીનું નામ નથી ભૂંસી શક્યા. એ લોકો ગમે તેટલાં ફાંફાં મારે તો પણ ગાંધીજીનું નામ નહીં ભૂંસી શકે કેમ કે ગાંધી એક માણસ નહીં વિચારધારા છે. ગાંધીજી એવી વિચારધારા કે જે કદી અપ્રસ્તુત નહીં થાય તેથી કોઈ કદી ખતમ નહીં કરી શકે.
ગાંધીજીની હત્યા થઈ પછી ગાંધીજીની વિચારધારા વધારે પ્રબળ બની છે. વૈશ્વિક સ્તરે ગાંધીજીના વિચારોને વધારે મહત્વ મળ્યું છે અને આખી દુનિયા માનતી થઈ છે કે, ગાંધીજીના સહ-અસ્તિત્વના વિચારો દુનિયા માટે શ્રેષ્ઠ છે. ગાંધીજી માનતા કે, આ દેશમાં શાંતિ અને સમૃધ્ધિ જોઈતી હોય તો હિંદુ અને મુસ્લિમોએ એક થઈને રહેવું પડે, સહ-અસ્તિત્વ ટકાવવું પડે. દુનિયાના જે પણ દેશોએ આ સહ-અસ્તિત્વ ટકાવ્યું એ બધા સમૃધ્ધ છે અને નફરતનું વાવેતર કરીને લડનારા ખતમ થઈ રહ્યા છે.
કહેવાતાં હિંદુવાદી નેતાઓ વરસોથી ગાંધીજી અંગે મનફાવે એવી વાતો કર્યા કરે છે પણ તેના કારણે ગાંધીજી અપ્રિય થયા નથી. ઉલટાનું ગાંધીજીની લોકપ્રિયતા વધી છે. તેનો પુરાવો એ છે કે, આજે પણ દેશના રાજકારણમાં ગાંધીજી ચલણી સિક્કો છે. નરેન્દ્ર મોદી સંઘની વિચારધારાની પેદાશ છે છતાં ગાંધીજીનાં ગુણગાન ગાતા થઈ ગયા તેનાથી વધારે ગાંધીજીના વધેલા પ્રભાવનો પુરાવો બીજો શો હોઈ શકે ?
મોદી સહિતના નેતા ગાંધીજીનું નામ માત્ર રાજકીય ફાયદા માટે લેતા નથી પણ ગાંધીજીની વિચારધારાને અનુસરવું પણ પડે છે. મોદી સહિતના ભાજપના નેતા અત્યારે સ્વદેશીની વાતો કરે છે ને આ વાત આપણા બાપુ સવાસો વર્ષ પહેલાં કરી ગયેલા.
હવે જેના મોતના ૭૮ વર્ષ પછી પણ જેમની વિચારધારાને શરણે આખા દેશે જવું પડતું હોય એ માણસના નામને કોણ ભૂંસી શકવાનું ?












































