કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીના પ્રથમ મેચના ત્રીજા દિવસની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.બીસીસીઆઇએ ભારતીય કેપ્ટન શુભમન ગિલ અંગે એક મોટી અપડેટ જારી કરી છે, જે ગરદનના ખેંચાણને કારણે બીજા દિવસની રમતમાં માત્ર ત્રણ બોલનો સામનો કર્યા પછી નિવૃત્ત થયો હતો. ગિલ હવે ટેસ્ટમાં ભાગ લેશે નહીં.દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયા બાદ, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શુભમન ગિલના સ્વાસ્થ્ય અંગે બીસીસીઆઇના તાજેતરના અપડેટ મુજબ, તેઓ હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે, અને બીસીસીઆઇ મેડિકલ ટીમ તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ગિલ હવે કોલકાતા ટેસ્ટમાં ભાગ લેશે નહીં. અગાઉ, બીજા દિવસની રમત પછી, અહેવાલ છે કે ગિલને ગરદનમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.કોલકાતા ટેસ્ટમાંથી ગિલની ગેરહાજરી બાદ, ઋષભ પંત હવે તેમના સ્થાને ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. આ મેચની વાત કરીએ તો, બે દિવસની રમતમાં અત્યાર સુધીમાં કુલ ૨૬ વિકેટ પડી ગઈ છે. આ મેચનું પરિણામ ત્રીજા દિવસે આવવાની અપેક્ષા છે. બીજા દિવસની રમતના અંતે, દક્ષિણ આફ્રિકાએ તેમના બીજા દાવમાં ૯૩ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે તેમને ફક્ત ૬૩ રનની લીડ મળી હતી. તેથી, જા ભારતીય ટીમ ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ ઝડપથી પૂર્ણ કરવામાં સફળ રહે છે, તો ચોથી ઇનિંગમાં તેમની પાસે પીછો કરવા માટે એક નાનો લક્ષ્યાંક હશે, જેનાથી તેમને શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવવાની તક મળશે.