અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્કૂલના પટાંગણમાં વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિજ્ઞાનની સમજ આપવા માટે ‘સ્પેસ ઓન વ્હીલ્સ’ મોબાઇલ મ્યુઝિયમ બસ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો ૩૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. મોબાઈલ મ્યુઝિયમમાં ઉપગ્રહો, લોંચીંગ વ્હીકલ, ગ્રહો, ચંદ્રયાન, મંગળયાન, સૂર્યમંડળ, અવકાશયાનની કાર્યપ્રણાલી અને અવકાશ ક્ષેત્રે ભારતે હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી અને મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેનાથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધી હતી. કાર્યક્રમમાં ઇસરોમાંથી જગદેવભાઈ ઠાકોર, મયંતાબેન રામી, ભાવેશભાઈ સોલંકી, મહેશભાઈ દેસાઈ, જયસુખભાઈ વેગડ તથા વિજ્ઞાન ગુર્જરીના પ્રોફેસર યતીનભાઇ તેરૈયા અને ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના રાજેશભાઈ વાસદડીયા, યોગેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખુંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, કોલેજ નિયામક ગીરીશભાઈ ભીમાણી, લોકવિજ્ઞાન ડાયરેક્ટર નિલેષભાઇ પાઠક અને સંયોજક પંકજભાઈ મહેતા દ્વારા પુષ્પગુચ્છ અને ખેસથી કરવામાં આવ્યું હતું.