રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ, ખોડલધામ યુવા સમિતિ દ્વારા સૌપ્રથમ વખત આયોજિત ખોડલધામ યુવા પ્રીમિયર લીગ (KYPL)નો ૩૦મી એપ્રિલના રોજ ધમાકેદાર પ્રારંભ થયો હતો. અખાત્રીજના પવિત્ર દિવસે રાજકોટ નજીક પાળ ગામ પાસેના એસજી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સાંજે ૬ કલાકે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે સહિત અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા રિબિન કાપીને KYPL વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ બેટિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.