ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી ૧૯ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન ખોડલધામ દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મહોત્સવનું ગામડે ગામડે જઈને ભાવભર્યું આમંત્રણ પાઠવવા માટે ટ્રસ્ટ દ્વારા મા ખોડલના ત્રણ વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યા છે. ૨૩ મેના રોજ રાજકોટસ્થિત સરદાર પટેલ ભવન ખાતેથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ ત્રણેય રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સમિતિ દ્વારા કલાત્મક રંગોળીઓ અને ફૂલોનું સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું તેમજ ઢોલ-નગારાના નાદ સાથે મા ખોડલની આરતી અને પૂજન વિધિ સંપન્ન થઈ હતી.નરેશભાઈ પટેલે આ તકે જણાવ્યું હતું કે ખોડલધામ પ્રત્યે લોકોની લાગણી સતત વધી રહી છે અને આ રથ પરિભ્રમણથી સમગ્ર ગુજરાતમાં એક વિશેષ ભક્તિમય માહોલ ઊભો થશે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આ અભિયાનને વિચારોનું સંકલન અને એકતાનો સંદેશ ગણાવ્યો હતો, જ્યારે સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ત્રણેય રથ આગામી ૧૮૦ થી વધુ દિવસો સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે. લેઉવા પટેલ સમાજની વસતી ધરાવતા અંદાજે ૩૫૦૦થી વધુ ગામોની રૂબરૂ મુલાકાત લઈને મહોત્સવનું આમંત્રણ અપાશે. આ ભવ્ય પ્રસ્થાન પ્રસંગે વિવિધ સમિતિના સભ્યો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખોડલધામ પરિવારના ભાઈ-બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.








































