જીવાત નિયંત્રણ માટે: ૧. નિમાસ્ત્રઃ ૨૦૦ લિટર પાણી + ૧૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ + ૧૦ કિલો કડવા લીમડાના નાના પાંદડા, કુમળી કળીઓ અથવા ૨૦થી ૩૦ કિલો લીંબોળી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક રાખી સવાર સાંજ પાંચ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું ત્યારબાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહણ ક્ષમતાઃ છ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
છંટકાવ: પ્રતિ એકર ૨૦૦ લિટર ફક્ત નિમાસ્ત્ર, પાણી ભેળવવાનું નથી, પાણી ભેળવ્યા વગર સીધો છંટકાવ કરવો.
૨.અગ્નિઅસ્ત્રઃ ૨૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિ.ગ્રા. કડવા લીમડાના પાનની ચટણી + ૫૦૦ ગ્રામ તીખા મરચાની ચટણી + ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી + ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર + ૫૦૦ ગ્રામ આદુની ચટણી આ મિશ્રણને ઓગાળીને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું ત્યારબાદ બે દિવસ સુધી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો પછી કપડાંથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહણ ક્ષમતા:૩ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
છંટકાવઃ પ્રતિ એકર ૧૦૦થી ૨૦૦ લિટર પાણી + ૬થી ૮ લિટર અગ્નિઅસ્ત્ર.
૩.બ્રહ્માસ્ત્રઃ ૨૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિ.ગ્રા. કડવા લીમડાના પાનની ચટણી + ૨ કિ.ગ્રા. સીતાફળના પાનની ચટણી + બે કિ.ગ્રા.એરંડાના પાનની ચટણી + ૨ કિ.ગ્રા. ધતુરાના પાનની ચટણી + ૨ કિલો આ પૈકી કોઈ પણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડું પડવા દેવું. ત્યારબાદ બે દિવસ સુધી સવાર સાંજ ૫–૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી ગરમ કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહણ ક્ષમતાઃ ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
છંટકાવઃ પ્રતિ એકર ૧૦૦થી ૨૦૦ લિટર પાણી + ૬ થી ૮ લિટર બ્રહ્માસ્ત્ર.
ફૂગનાશકોઃ ૧. બીજામૃતઃ ૫ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૫ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ + ૫૦ ગ્રામ ચૂનો + ૧ મુઠ્ઠી ઝાડ નીચેની માટીને ૨૦ લિટર પાણીમાં મિશ્રણ કરી એ ૧૦૦ કિ.ગ્રા. બિયારણને પટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લેવું.
૨. સૂંઠાસ્ત્રઃ૨૦૦ ગ્રામ સૂંઠ પાઉંડરને ૨ લિટર પાણીમાં એટલું ઉકાળવું જેથી તે અડધું થઈ જાય. બીજા વાસણમાં ૨ લિટર દૂધને ધીમા તાપે ઉકાળી મલાઈ કાઢી નાખવી. ૨૦૦ લિટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મિક્સ કરી ૨ કલાક બાદ છોડ પર ઉપયોગ કરો.
આમ ઉપરોક્ત ઘટકો આપના ખેતર ઉપર જ તૈયાર કરી શકાય છે. તેથી ખેતરમાં પ્રદૂષણ ઘટે છે, વધારાના ખર્ચ વિના જ ખેતીમાં ઉત્પાદન વધારી શકાય છે. સાથે સાથે ખેતી ખર્ચ ઘટાડી શકાય છે. ઘરના દરેક સભ્યને એક અથવા બીજા કામમાં રોકી શકાય છે અને તેમનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પણ ઉજાગર કરી શકાય છે. આ રીતે આત્મનિર્ભર બનવા તરફનું એક પગલું ભરી શકાય છે. આ સિવાય પણ અન્ય ઘટકો છે જે ભવિષ્યમાં અહી રજૂ કરીશું.












































