સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના સરકારી ક્રાર્યક્રમો થયા તો કોઈ-કોઈ જગ્યાએ સરદાર જન્મજયંતિના જ્ઞાતિઓના ક્રાર્યક્રમો થયા પરંતુ દેશને આઝાદી અપાવનાર ક્રાંતિ વિશે અને ખેડૂતોના સરદારને શોભે તેવું સન્માન આપવામાં ખેડૂતો ઉણા ઉતર્યા છે એ વાસ્તવિકતા છે.
છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગમાં કમોસમી વરસાદ એટલે માવઠારૂપી નુકસાની વરસી રહી છે. ચાર મહિના પહેલા ઉછીના-પાછીના અને લોન લઈને ખેતીમાં ખેડાણ કરીને વાવેતર કરેલા વિવિધ પાકો તૈયાર થઈને મોસમ લણણીની તૈયારી ખેડૂતો કરી રહ્યા હતા એવા સમયે કુદરતનું આકાશી રૌદ્ર સ્વરૂપ માવઠારૂપી વરસવા તૈયાર થયું અને ખેડૂતોના સપનાઓ રોળાવાના શરૂ થયા, ખેતરોમાં મગફળીના પાથરા તણાતા અને ખળામાંથી મગફળી તણાતી જાઈ છે. સાહેબ ખેડૂતોના પાથરા કે મગફળી નથી તણાયા, એના પરિવારના નાના નાના ભુલકાઓના સ્વપ્નો તણાયા છે.
ખેડૂતોનો ઘર પરિવાર માવઠાની મેઘલી રાત્રે સુતો હોય છે. મહાનગરોના ક્રોંક્રિટના પથ્થરદિલવાળા અધિકારીઓ અને ખેતી અને ખેડૂતોને તુચ્છ નજરે જાનારાઓ મીઠી ઉંઘ માણી રહ્યા હોય તેવા સમયે ખેડૂત પરિવારનો મોભી ખાટલામાં ટળવળતો હોય છે. તેને ચિંતા હોય છે દીકરા-દીકરીના ભણતરની ફી કયાંથી ભરીશુ ? અરે ભાઈને ત્યાં દીકરીના લગ્ન છે. દીકરી રાજી રહે તેવો કરિયાવરનો ખર્ચ કયાંથી લાવીશુ ? વાડીએ ઓરડી પડું પડું થઈ રહી છે એ પડી જશે તો રાત્રે વાહુપો કેમ કરીશું ? એથી મોટી સમસ્યા આ ગાય, ભેંસોને મોઢે આવેલો ચારો પલળી ગયો છે. હવે બિચારા મુંગા પહુડાનું શું ? લોનના હપ્તા નહિ ભરાય તો વ્યાજ ચડશે. શાહુકારો પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી આવશે તો શું કરીશું ? સાહેબ.. આ ખેડૂતોની વેદના ઉભી કરી છે આ કમોસમી વરસાદ એટલે માવઠાએ. ગુજરાતના ખેડૂતો ઉપર અવારનવાર મુશ્કેલી આવી છે. છેલ્લા દસ વર્ષમાં આવેલી મુશ્કેલીના સમયે સરકારે લગભગ ૧ર હજાર કરોડ જેવી મદદ કરી છે. આજે કેટલાક લોકો રાજકીય રોટલા શેકવા સર્વેનો વિરોધ કરે છે. વાસ્તવિકતા નુકસાન ખુબ મોટુ છે. આવા સમયે સાચો સર્વે જરૂરી છે. કયાં સુધી આપણે માત્ર અંદાજા ઉપર સહાય આપીશુ.?
ગ્લોબલ વો‹મગના હિસાબે દર ત્રણ ચાર વર્ષે અલગ-અલગ પરિસ્થિતીઓ ઉભી થવાની છે. ત્યારે વાવેતર, પાક સંરક્ષણ સહિતની નવી પધ્ધતિઓ દાખલ થાય તે પણ જરૂરી છે.
માવઠું ભલે કમોસમી વરસાદનું રૂપ કહેવાય સાચે જ ખુબ દર્દ હોય છે. આ માવઠાના વરસાદમાં તો કોઈ ખેડૂતોને જઈને પુછો તો ખબર પડે. જ્યાં અમીરી છલકાતી હોય એ માવઠામાં ભજીયાના તાવડા મૂકે જયારે નાનો ખેડૂત એની વ્યથાથી મરી રહ્યો હોય છે. ખેડૂતોની વ્યથા અને વેદના છે એવું નથી, ખેતીમાં જાડાયેલા ખેતમજૂરો અને ભાગીયાને પેટ ઉપર પાટુ પડ્યું છે.
ખેતી અને ગામડાઓને સુખી અને
સમૃદ્ધ બનાવવા માટે યોગ્ય નીતિઓ બનાવવામાં નહિ આવે તો આ દેશમાં ભૂખમરો આવતા વાર નહિ લાગે, ખેતી અને આરોગ્ય ક્ષેત્રે અખતરાઓ ન હોઈ શકે. સ્થળ, દિશા સાથે યોજનાઓ, આયોજન જરૂરી છે. કુદરત ખેડૂતોને ગમે તેવી થપાટ મારે છતાં ખેડૂત કહે ઈશ્વર કરે ઈ ઠીક. ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો, ખેતમજૂરો કરતા અધિકારીઓ અને રાજકારણીઓનું મહત્વ વધી જાય ત્યાં ખેડૂતોના નામે ફકત રાજકારણ જ થાય, ખેડૂતોનું ભલુ કંઈ ન થાય. ખેડૂત હવે તું જાગ અને જાતે બેઠો થા, તારા હક્કનું મેળવ અને રાષ્ટ્ર માટે ફરજ અદા કર.











































