રાજ્યના ખેડૂકોની લોન માફ કરવા આમઆદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લાના સોનગઢમાં મળેલી કિસાન મહાપંચાયતમાં માગણી કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારોના લોકો માટે અધિકારો અને ન્યાય સહિત ૧૦ વિવિધ માગણીઓ મહાપંચાયતમાં ઉઠાવવામાં આવી હતી.ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જા સરકાર આગામી દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધીના શિડ્યુલ ૫ લાગુ નહીં કરે, તો અમે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં બદલો લઈશું.તેમણે કહ્યું હતું કે આદિવાસી લોકોને થર્મલ પાવર પ્લાન્ટમાં નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આજે, થર્મલ પાવર પ્લાન્ટમાં આદિવાસી લોકોને નોકરી આપવામાં આવી રહી નથી, અને બહારના લોકો અહીં રાજ કરી રહ્યા છે.આ મહાપંચાયતમાં આપના રાજ્ય સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા પાયલ સાકરિયા, રૂસ્તમ ગામીત, કેતન પટેલ, મહેન્દ્ર ગામીત, સયન ગામીત, ઉમેશ મુલતાની, દિનેશ પટેલ, કુંજન પટેલ, સ્નેહલ વસાવા અને જીમી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં આદિવાસી સહિત તમામ સમુદાયોના ખેડૂતો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહાપંચાયત પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ગામડાઓમાં રેલીનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં લોકોએ વિવિધ સ્થળોએ તેમનું સ્વાગત કર્યું હતું.








































