ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. ત્રણ પાટીયાથી જામજાધપુર વચ્ચે આંબરડી ગામના પાટીયા પાસે આવતીકાલે એટલે કે ૯ નવેમ્બરના રોજ આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી કિસાન મહાપંચાયત મુદ્દે મહત્વપૂર્ણ ઘોષણા કરતા જણાવ્યું હતું કે,તાજેતરમાં કમોસમી વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો અને ખેતીને ખતમ કરવાની નીતિ બનાવીને ભાજપે વર્ષો સુધી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે અને આવા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોનો અવાજ બની રહી છે.સોરઠીયાએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીએ સતત ખેડૂતોને ન્યાય આપવા માટેની લડત લડી છે. આપણે સૌ જાણીએ છીએ કે બોટાદમાં કડદા પ્રથા વિરુધ્ધ આંદોલન થયું તો તે આંદોલન બાદ આપણા ૭૦ જેટલા ખેડૂતો હજુ પણ જેલમાં છે અને તેમની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જેલમાં છે.સોરઠીયાએ ઉમેર્યું કે, આગામી સમયમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરી રહી છે. આ ખેડૂત મહાપંચાયતના ભાગરૂપે આવતીકાલે નવમી તારીખે બપોરે ત્રણ વાગે ત્રણ પાટીયાથી જામજાધપુર વચ્ચે આંબરડી ગામના પાટીયા પાસે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યુ છે, જેમાં ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને અને જે પણ લોકો ખેડૂતોના સમર્થનમાં છે અને ખેડૂતોને સાથ આપવા માંગે છે અને ખેડૂતોની સંવેદનાને સમજે છે એવા તમામ લોકોને આ કિસાન મહાપંચાયતમાં પધારવા માટે આમંત્રણ આપ્યું છે.તેમણે એમ પણ કહ્યું કે, જા આપણે જાતિ જ્ઞાતિ ભૂલાવીને અને એક થઈને ખેડૂત સમાજ તરીકે અવાજ ઉઠાવીશું ત્યારે ગુજરાતમાં સત્તામાં બેઠેલી તાનાશાહી સરકાર ખેડૂતો સામે ઝૂકશે અને ખેડૂતોને ન્યાય અપાવવાની આપણી લડત વધુ મજબૂત થશે. માટે તમામ ખેડૂતોને આ ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે હાકલ કરી હતી.







































