રાજુલાના ખેડૂતો દ્વારા ખેતીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરના ટ્રેલર (ટ્રોલી)ના રી-પાર્સિંગ અને ટેક્સ માફીના મુદ્દે જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વી. વસોયાએ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે નવા સાધનો વસાવવા માટે સબસિડી પણ આપવામાં આવે છે, જેમાં હવે ટ્રેક્ટરના ટ્રેલર (ટ્રોલી)ની ખરીદી માટે પણ સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. જો કે, ઘણા સમયથી નવા ટ્રેક્ટરના ટ્રેલરનું રજીસ્ટ્રેશન થતું નથી અને ટ્રેલરને બે વર્ષે રી-પાર્સિંગ કરાવવું પડે છે. જો ખેડૂતો સમયસર રી-પાર્સિંગ ન કરાવે તો પ્રતિ દિવસ રૂ. ૫૦/- નો દંડ ભરવો પડે છે. ટ્રેક્ટર પર સરકાર દ્વારા ટેક્સ માફી આપવામાં આવી છે અને તેનું રી-પાર્સિંગ ૧૫ વર્ષે કરવાનું હોય છે. ટ્રેક્ટરની જેમ ટ્રેલર (ટ્રોલી) પર પણ ટેક્સ માફી આપવામાં આવે અને ટ્રેક્ટરની જેમ ટ્રેલર (ટ્રોલી)ના રી-પાર્સિંગની સમય મર્યાદા પણ ૧૫ વર્ષની કરવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય.