પંચમહાલ જિલ્લાના હાલોલ ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થતાં જ ગ્રામજનોમાં અસંતોષ અને ફરિયાદો વધવા લાગી છે. હાલોલ તાલુકાના ટાઢોડીયા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખેડૂત નારણ બારીયાને સ્માર્ટ મીટર લગાવ્યા બાદના માત્ર ૧૫ દિવસમાં જ ૫૦,૦૦૦નું વીજબિલ મળ્યું છે. હંમેશા બે મહિનાનું આશરે ૧,૦૦૦ જેટલું બિલ ચૂકવતા ખેડૂતને આટલો મોટો આંકડો જાઇને ચોંકી ઉઠ્યો હતો. એક વર્ષનું સામટું બિલ પણ જેટલું નથી આવતું તેટલું બિલ માત્ર ૧૫ દિવસનું જ આવ્યું છે.નારણભાઈનું જુનુ વીજ મીટર ૫ આૅક્ટોબરે બદલીને સ્માર્ટ મીટર મૂકાયું હતું. બધું સામાન્ય રીતે ચાલતું હતું, પરંતુ ૧૭ આૅક્ટોબરે તેમના ફોન પર આવેલા મેસેજથી તેઓ ચોંકી ઉઠ્યાં હતા. મેસેજમાં બિલની રકમ ૫૦,૦૨૦.૩૧ દર્શાવવામાં આવી હતી. આૅનલાઈન સિસ્ટમ ચેક કરતાં પણ એ જ આંકડો દેખાતા ખેડૂતની ચિંતા વધી હતી. સામાન્ય રીતે આવતું બિલ અચાનક પાંચ હજાર ગણું થઇ જવાથી તેઓ હતપ્રભ થઇ ગયા હતા.ખેતી પર આધાર રાખીને પોતાનું જીવન નિર્વહન કરતા ખેડૂત પહેલેથી જ કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનથી પરેશાન છે. આવી સ્થિતિમાં વીજ કંપની તરફથી મળેલું મોટું બિલ તેમના માટે પડ્યાં પર પાટું સાબિત થયું હતું. પહેલાથી જ આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા ખેડૂતને હવે આટલું મોટું બિલ જાઇને ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઇ હતી.આ ઘટનાની પાછળ કઈ ટેકનીકલ ખામી છે કે બિલિંગમાં કોઈ ભૂલ થઈ છે, તેનો જવાબ હજી સુધી મળ્યો નથી. પરંતુ આકસ્મિક બિલ બાદ નારણભાઈએ વિવિધ સ્તરે રજૂઆતો શરૂ કરી છે. તેઓ ન્યાયની માંગ સાથે એમજીવીસીએલ પાસે બિલની તપાસ કરવાની વિનંતી કરી હતી. ગામના અન્ય રહેવાસીઓ પણ હવે સ્માર્ટ મીટર બાબતે ઉચાટ જાવા મળી રહ્યો છે. બિલિંગ સિસ્ટમની પારદર્શકતાની માંગ ઉઠી રહી છે.









































