અમદાવાદ-ખેડા હાઇવે પર આવેલ વડાલા પાટિયા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વડાલા ગેસ પ્લાન્ટ પાસે થયેલા આ અકસ્માતમાં મૂળ આણંદ જિલ્લાના તારાપુરના અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા શાહ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. પિતા અને તેમના બે જુડવા પુત્રોના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, ૬૭ વર્ષીય નવલભાઈ મણીભાઈ શાહ અને તેમના બે ૩૪ વર્ષીય જુડવા પુત્રો જય નવલભાઈ શાહ અને જીગ્નેશ નવલભાઈ શાહ અમદાવાદથી ખેડા જિલ્લાના લીંબાસી ગામમાં પોતાની કપડાંની દુકાને જઈ રહ્યા હતા. તે સમયે વડાલા ગેસ પ્લાન્ટ પાસે કાળમુખો અકસ્માત નડ્યો હતો.
આ જુડવા ભાઈઓ સાથે પિતા એમ ત્રણેય બાઈક લઈ ત્રિપલ સવારી ખેડા-અમદાવાદ હાઇવે પર જઈ રહ્યા હતા, ત્યારે વડાલા પાસે ટ્રકની ટક્કરે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જારદાર હતી કે, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રોડ પર ચારેય બાજુ કાટમાળ ફેલાયો હતો.
અકસ્માતની જાણ ૧૦૮ અને પોલીસને કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, ત્યારે અકસ્માતમાં જય શાહનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પિતા નવલભાઈ અને બીજા પુત્ર જીગ્નેશને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં જ બંનેએ દમ તોડ્યો હતો.
નોંધનીય છે કે, અમદાવાદ-ખેડા હાઇવે પર આવેલ વડાલા પાટિયા અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે, ત્યારે આ સ્થળ અકસ્માતોનું હબ બની રહ્યું હોય તેમ આજે ફરી એકવાર અહીં ગમખ્વાર અકસ્માતે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે, ત્યારે આ અકસ્માત મામલે ખેડા ટાઉન પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.