ખેડાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષકે પવિત્ર મર્યાદાઓ નેવે મૂકીને પોતાની જ પૂર્વ વિદ્યાર્થિનીની આબરૂ લૂંટી છે. દીકરીએ જ્યારે પોતાની સુરક્ષા માટે શાળા બદલી, તેમ છતાં આ નરાધમે તેનો પીછો ન છોડ્યો અને હેવાનિયત આચરી. આ ઘટના બહાર આવતા જ સમગ્ર શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી શિક્ષક શૈલેષ રાઠવા ઠાસરાના ચિતલાવ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હતો. પીડિતા જ્યારે આ જ શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી હતી, ત્યારથી જ શૈલેષની નજર તેના પર બગડી હતી. તે સમયે પણ તે વિદ્યાર્થિનીને અવારનવાર હેરાન પરેશાન કરતો હોવાનું સામે આવ્યું છે.
કહેવાય છે કે દીકરી ગમે ત્યાં જાય, તેના મા-બાપ તેના સુરક્ષિત ભવિષ્યના સપના જાતા હોય છે. પરંતુ ખેડાના ઠાસરા પંથકની આ દીકરી માટે કદાચ કુદરત કંઈક અલગ જ લખી રહી હતી. ધોરણ ૮ પૂર્ણ કર્યા બાદ જ્યારે પીડિતા વધુ અભ્યાસ માટે સાવલી ખાતે રહેવા ગઈ, ત્યારે પરિવારને આશા હતી કે અહીં તેમની દીકરી સલામત રહેશે. પરંતુ હેવાન બની ગયેલા શિક્ષક શૈલેષ રાઠવાની વિકૃતિનો અંત આવ્યો નહોતો. હેવાન બનેલા શિક્ષકે ત્યાં પણ તેનો પીછો છોડ્યો નહોતો. શિક્ષકે સાવલી જઈને વિદ્યાર્થિની સાથે અડપલાં શરૂ કર્યા હતા અને અંતે દુષ્કર્મ આચર્યું હતું.
જ્યારે આ હૃદયદ્રાવક ઘટનાની જાણ દીકરીના પરિવારને થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાકે, આ મુશ્કેલ સમયમાં પણ પરિવારે હિંમત હારવાને બદલે પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે લડત આપવાનું નક્કી કર્યું. પરિવારે તુરંત જ ડાકોર પોલીસ મથકે પહોંચી નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ડાકોર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શિક્ષક શૈલેષ રાઠવા વિરુદ્ધ પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ તેજ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.








































