જિલ્લાના કપડવંજમાં લૂંટેરી દુલ્હનનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા ૨.૬૦ લાખ લઈ યુવતી સાથે લગ્ન કરાવાયા હતા. જે બાદ કન્યા એક દિવસ રોકાઈને બીજા દિવસે દાગીના લઈ ભાગી ગઈ હતી. જે મામલે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈ પોલીસ દ્વારા છ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ખોટી ઓળખ આપી લગ્ન કરાવી છેતરપિંડી આચરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. આ મામલામાં પોલીસ દ્વારા ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓને પકડવાના બાકી છે.

કપડવંજ તાલુકાના ત્રીસ વર્ષીય યુવાન સાથે ઠગ ટોળકીએ યુવતીના લગ્ન કરાવ્યા હતા. જેના અવેજમાં યુવાનના પિતા પાસેથી રૂ.૨.૬૦ લાખ પડાવ્યા હતા. મંદિરમાં લગ્ન કરાવી કન્યા યુવાનને ઘરે જતા એક દિવસ રોકાઈને માતાના ઓપરેશનનું બહાનું બતાવી રૂપિયા ૫૫૦૦ ના ચાંદીના દાગીના લઈ ભાગી ગઈ હતી. યુવાન અને પરિવારજનોએ કન્યાના ઘરે તપાસ કરતા તાળું મારેલું જાવા મળ્યું હતુ. જે બાદ ગામમાં તપાસ કરતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને તા.૯/૦૯/૨૪ ના રોજ એક લગ્ન થયેલા જે ખોટી ઓળખ આપી અને વિશ્વાસમાં લઈ અને ૨,૬૦,૦૦૦ રૂપિયા લઈને લગ્ન કર્યા હતા. તે બાબતે ૩૦૨/૨૦૨૫ બીએનએસ કલમ ૩૧૬(૨),૩૧૮(૪), ૩૧૯,૬૧(૨)મુજબ ગુનો રજીસ્ટર્ડ થયેલ છે. આ બાબતે કપડવંજ રૂરલ પોલીસે તપાસ કરી કુલ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની અટક કરી લીધેલ છે, જેમાં મીનાબેન, ઈલાબેન,કાંતિભાઈ અને રીનાબેન જે અલગ અલગ જગ્યાના રહેવાસી છે. બીજા બે આરોપીઓ પકડવાના બાકી છે. પોલિસ સ્સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.ચૌધરી અને સ્ટાફે તરત રિસ્પોન્સ આપી આરોપીઓને પકડી લીધેલ છે.