એક હતી ખુશી ખિસકોલી. ચુલબીલી ને મોજીલી. આખો દિવસ આમતેમ દોડ્‌યા કરે. બધાંય સાથે સંપીને રહે ને રમે. એને દોસ્તો સાથે મજા કરવી ખુબ ગમતી. હરે, ફરે ને વાતોએ ચડે. સૌને પણ ખુશી ખિસકોલી ખુબ ગમતી.
એક દિવસ એને વિચાર આવ્યો, ‘બધાય મિત્રો મને બોલાવે છે. નાસ્તો કરાવે ને જમાડે છે. મારે પણ કંઈક કરવું જોઈએ. જેથી બધા મિત્રો મારા ઘેર આવે ને મજા કરે!’ એમ વિચારી એણે પાર્ટીનું આયોજન કરવાનું વિચાર્યું.
એ તરત જ પાર્ટી માટેની તૈયારીમાં લાગી ગઈ. એ કાગળ અને રંગ લઈ આવી. એ પાર્ટી કાર્ડ બનાવવા લાગી. જોતજોતામાં એણે રંગબેરંગી ઘણાં કાર્ડ બનાવી દીધાં. કાર્ડ પર રંગબેરંગી અક્ષરોથી લખ્યું હતું – ‘રિમઝીમ પાર્ટી’. ખુશી દડબડ દડબડ કરતી દોડી પોતાના મિત્રોને ઘેર. પીકુ પોપટ, ચકુ ચકલી, પિંકી પતંગિયું, કલ્લુ કાગડો, મોન્ટુ મોર, વીકી વાંદરો એમ એક પછી એક બધાંય મિત્રોને આમંત્રણ આપી આવી. આમંત્રણ આપતાં કહે, ‘‘જો જો પાછા, જરૂર આવજો હોં! તમને બધાને ખુબ મજા પડી જાય એવી પાર્ટી રાખી છે! સંગીતનો જલશો, નૃત્ય ને ચટપટી ખાણીપીણી. બધા આવી જજો.’’
‘‘અરે ખુશીબેન! તમે તો કાર્ડ પણ સરસ બનાવ્યું છે ને!’’ – ચકુ ચકલી બોલી. ‘‘હા હા! મને થયું મિત્રોને બોલાવવા જ છે તો લાવને સરસ મજાનું કાર્ડ ચીતરું.’’
પાર્ટી માટે બધાંએ તૈયારીઓ શરૂ કરી. પીકુએ ફળો ભેગાં કર્યાં. પિંકીએ ફૂલોથી બગીચો સજાવ્યો. મોન્ટુ સંગીતનાં સાધનો લાવ્યો. ચકુ તો નાચગાન માટે પ્રેક્ટિસ પણ કરવા માંડી.
આખરે પાર્ટીનો દિવસ આવી ગયો. બધાં સજીધજીને તૈયાર થતાં હતો. ખુશીની પાર્ટીમાં જવાનો સૌને આનંદ હતો. પણ અચાનક પવન ફૂંકાવા લાગ્યો. આકાશમાં કાળાં વાદળો ઘેરાવા લાગ્યાં. અચાનક બદલાયેલું વાતાવરણ જોઈ ખુશીને ચિંતા થવા લાગી. બધાં પક્ષીઓ પણ વિચારવા લાગ્યાં, ‘આ ખુશીબેનની પાર્ટીનું શું થશે! બિચારાં ખુશીબેન! એમને પાર્ટીનો કેટલો આનંદ હતો!’ પવન અને વરસાદનું જોર એટલું હતું કે પાર્ટીની બધી તૈયારીઓ પર પાણી ફરી વળ્યું. થોડીવાર પછી બધું શાંત થઈ ગયું.
ખુશી ઝાડની ડાળી પર પાંદડાં વચ્ચે લપાઈને બેઠી હતી. તે ઘણી નિરાશ થઈ ગઈ. એટલામાં ઢોલ-નગારાંનો અવાજ સંભળાયો. ખુશીએ બેઠા થઈને જોયું તો એના મિત્રો તૈયાર થઈને વાજતેગાજતે આવી રહ્યા હતા. એમને જોઈ ખુશીના જીવમાં જીવ આવ્યો. એ દડબડ દડબડ કરતી નીચે ઊતરી. બધાંએ આવીને કહ્યું, ‘ખુશીબેન તમે જરાય ચિંતા ન કરશો. પાર્ટી તો થઈને જ રહેશે. અમે છીએને!’ એમ કહી વળી પાછાં બધાં કામે વળગ્યાં. ઘડીભરમાં બધાંએ બધું સંભાળી લીધું. પીકુએ ફળો ભેગાં કર્યાં. પિંકીએ ફૂલોથી બગીચો સજાવ્યો. મોન્ટુ સંગીતનાં સાધનો લાવ્યો. જોતજોતામાં બધું ફરીથી હતું એમ ગોઠવાઈ ગયું. ખુશીની ખુશીનો પાર ન રહ્યો. આખરે ખુશીની પાર્ટી શરૂ થઈ. બધાંએ મજા કરી. ગીતો ગાયાં, નૃત્ય કર્યાં, રમ્યાં અને મીઠાં ફળો ખાધાં. ખુશીએ પાર્ટીમાં જોડાવા અને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો. ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭