રાજુલાના ખાખબાઈ ગામે એક અત્યંત કરુણ અને કમનસીબ ઘટના સામે આવી હતી. ગામના પ્લોટ વિસ્તાર પાસે નદી તરફ જવાના રસ્તે કુદરતી હાજતે ઉભેલા એક વ્યક્તિ પર અચાનક માટીની ભેખડ ધસી પડતા દબાઈ જવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે ગૌતમભાઇ રમેશભાઇ સાંખટ (ઉ.વ.૨૧) એ જાહેર કર્યા મુજબ, રમેશભાઇ દેવદાનભાઇ સાંખટ (ઉ.વ.૪૫ ) ખાખબાઈ ગામના પ્લોટ વિસ્તારમાંથી નદી તરફ જવાના માર્ગ પર, સ્મશાન નજીક આવેલી એક ભેખડ નીચે બાથરૂમ કરવા માટે ઉભા રહ્યા હતા. તે જ સમયે અચાનક ઉપરથી માટીની ભેખડ ધસી પડી હતી. ભેખડ એટલી ઝડપથી પડી કે તેમને ભાગવાનો પણ સમય મળ્યો નહોતો અને તેઓ માટી નીચે દબાઈ ગયા હતા. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માટી હટાવી તેમને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ અને શ્વાસ રૂંધાવાને કારણે તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ ઘટનાને પગલે ખાખબાઈ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.