ખાંભા તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચકરાવા ગામ નજીક વનવિભાગની ટીમે ગેરકાયદેસર શિકાર પર કડક કાર્યવાહી કરી છે. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન વનવિભાગના કર્મચારીઓએ વાડી વિસ્તારમાં જાળી બિછાવી સસલાનો શિકાર કરતા બે શખ્સોને રંગેહાથે ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સોમાં ભરતભાઈ રામભાઈ વાઘેલા અને રાકેશભાઈ ભગવાનભાઈ ડોડીયાનો સમાવેશ થાય છે. વનવિભાગે આ બંને આરોપીઓ પાસેથી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો નોંધી કુલ ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. વનવિભાગે ઘટનાસ્થળેથી શિકાર માટે વપરાતી જાળી, ટોર્ચ અને એક મૃત સસલું કબજે કર્યું છે. ગીર બોર્ડર અને જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વનવિભાગ વધુ સક્રિય બન્યું છે અને આવી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવ્યું છે.










































