મૂળ ખાંભાના અને હાલ અમેરિકા સ્થિત દાતા સલીમભાઈ બોઘાણીના આર્થિક સહયોગ તેમજ સ્થાનિક સેવાયજ્ઞ ગ્રુપના યુવાનોના સંયુક્ત ઉપક્રમે રવિવારે સહજાનંદ ગુરુકુળ હોલ ખાતે આર્થિક પછાત પરિવારો માટે વિનામૂલ્યે લેબોરેટરી ટેસ્ટ અને રિપોર્ટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બ્લડ આધારિત અંદાજે ૩૦ જેટલા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો ૧૫૦ જેટલા ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પૂજ્ય સંતો, ધારાસભ્ય જે. વી. કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત વિવિધ પક્ષોના હોદ્દેદારો અને જ્ઞાતિ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દાતાશ્રી તેમજ સેવાયજ્ઞ ગ્રુપની સેવાકીય કામગીરીને બિરદાવી હતી.