ખાંભાની પે-સેન્ટર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શાળામાં બાળકો હોવા છતાં શિક્ષકો મુખ્ય દરવાજાને તાળું મારી જતા રહેતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. ખાંભાની પે-સેન્ટર શાળામાં શિક્ષકોને ઘરે જવાની ઉતાવળ હોવાથી કોઈપણ તપાસ કર્યા વગર શિક્ષકો મુખ્ય દરવાજાને તાળું મારી ઘરે જતા રહ્યા હતા.
શનિવાર હોવાથી શાળામાં વિદ્યાર્થીઓને છુટવાનો સમય બપોરના ૧૧ કલાકનો હોય જેથી બાળકો ૧ર વાગ્યા પછી પણ ઘરે ન પહોંચતા વાલીઓ ચિંતીત થયા હતા અને તપાસ શરૂ કરી હતી. વાલીઓ પે-સેન્ટર શાળાએ પહોંચતા બાળકો દરવાજા પાસે ઉભા હતા અને દરવાજાને બહારથી તાળું મારેલુ હતું. આ ઘટનાથી શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
શાળાએ તપાસ કરતા બાળકો દરવાજે ઉભા હતા
બાળકોના વાલી મુકેશભાઈ મેવાડાએ જણાવ્યું હતું કે, શાળાની અંદર વાયરીંગનું કામ ચાલુ હતું. કામ પુરૂ થઈ ગયા બાદ બાળકો હજુ શાળામાં જ હતા. જયારે ઘરેથી ફોન આવ્યો કે, બાળકો હજુ ઘરે પહોચ્યા નથી ત્યારે શાળાએ તપાસ કરતા બાળકો દરવાજે ઉભા હતા. આ બાબતે શિક્ષકોને જણાવતા શિક્ષકોએ મારી પાસે ચાવી નથી તેમ જણાવી એકબીજાને ખો આપી હતી.
શાળાને નોટીસ આપવામાં આવી છે ઃ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી
ખાંભાની પે-સેન્ટર શાળામાં શિક્ષકો મુખ્ય દરવાજાને બહારથી તાળું મારી જતા રહેતા ૪ બાળકો શાળામાં ફસાયા હતા. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે બેગલેસ ડે હોવાથી બાળકો શાળાની પાછળ મેદાનમાં રમતા હતા. જા કે શિક્ષકોએ શાળામાં તમામ સ્થળોએ તપાસ કરવાની જરૂર હતી પરંતુ શિક્ષકોએ તપાસ કરી નહી. આ ગંભીર બેદરકારી હોવાથી શાળાને નોટીસ પાઠવવામાં આવી હોવાનું જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.