ખાંભાના ભાડ ગામની સીમમાં વાડીના શેઢે મુકેલા ઝટકા મશીન મુદ્દે બે પક્ષોમાં માથાકૂટ થઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલાના મીતીયાળા ગામે રહેતા સોનલબેન ભાવેશભાઈ ખીમાણીયા (ઉ.વ.૩૦)એ ખાંભાના ભાડ ગામે રહેતા હિંમતભાઈ અકબરી, વિજયભાઈ હિંમતભાઈ અકબરી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે ભાગીયું રાખેલી વાડી-ખેતરના શેઢે આવેલ આરોપીની વાડી-ખેતરના શેઢે ઝટકા મશીનથી તેમને તથા તેના દીકરાને વીજશોક લાગતાં દિવસ દરમિયાન ઝટકા બંધ રાખવા સમજાવતાં સારું નહોતું લાગ્યું. તેમને ગાળો આપી, શરીરે મુંઢમાર માર્યો હતો તેમજ લાફો પણ માર્યો હતો. જે બાદ વિજયભાઈ હિંમતભાઈ અકબરી (ઉ.વ.૩૮)એ ભાવેશભાઈ છનાભાઈ ખીમણીયા તથા સોનલબેન ભાવેશભાઈ ખીમાણીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાબાપાના ભાગીયા આરોપીએ તેમને ખેતરના શેઢે મુકેલ ઝટકા મશીન કાઢી લેવાનું કહેતા તેમણે ખેતીકામ પતશે એટલે નવરા થઈને કાઢી લઈશું તેમ કહ્યું હતું. જેથી તેમને તથા તેના પિતાને ગાળો આપી જમણા હાથના અંગુઠા પર લાકડીનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.