અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બોરાળા ગામે લગ્ન પ્રસંગના હરખમાં ઝેર ભળ્યું હોય તેવી એક હિંસક ઘટના સામે આવી હતી. ભાઈને ઉપાડી લેવાની ધમકીનો વિરોધ કરતા એક યુવક પર ચાર શખ્સોએ કુહાડી અને પથ્થર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ગીર સોમનાથના નવા ઉગલા ગામના ભાવેશભાઇ જાદવભાઇ પરમાર (ઉં.વ.૩૨) એ ખાંભાના બોરાળા ગામના દાનાભાઇ ગભાભાઇ વાઘેલા, દાનાભાઇ ગભાભાઇ વાઘેલાનો નાનો દીકરો, દાનાભાઇ ગભાભાઇ વાઘેલાનો મોટો દીકરો તથા દાનાભાઇ ગભાભાઇ વાઘેલાના જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ, ગત તારીખ ૦૫/૦૨/૨૬ ના રોજ બપોરના આશરે સાડા બાર વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ફરિયાદી બોરાળા ગામે ધનાભાઈ મધુભાઈ પરમારના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. આ દરમિયાન ચાર શખ્સો ત્યાં ઉભા રહીને ફરિયાદીના મોટાભાઈ ભગુભાઈ પરમારને ‘ઉપાડી લેવો છે’ તેવી વાતો કરી રહ્યા હતા. તેઓ આ વાત સાંભળી જતા તેમણે હિંમત દાખવી આરોપીને કહ્યું હતું કે, “ભગુભાઈને એકલા ન સમજતા.” આ વાત આરોપીઓને ગમી નહોતી અને મામલો બિચક્યો હતો. વાતનું વેર રાખીને આરોપીઓએ ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ પોતાના હાથમાં રહેલી કુહાડીનો ઘા ફરિયાદીના માથાના પાછળના ભાગે ઝીંકી દીધો હતો, જેના કારણે માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત બાજુમાંથી પથ્થરનો ટુકડો ઉપાડી ફરિયાદીના મોઢા પર છુટ્ટો માર્યો હતો. આ હુમલામાં ફરિયાદીના ડાબા ગાલ પર ફ્રેક્ચર થયું અને હાડકું ભાંગી ગયું હતું. તમામ ચારેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓએ તેમને જેમ ફાવે તેમ ગંદી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.એચ. મહેતા વધુ તપાસ કરી રહ્યા છે.