ખાંભાના પાટી ગામે રહેતો એક વેપારી રાત્રે દુકાન બંધ કર્યા બાદ પોતાના ગામ જતો હતો ત્યારે રાત્રીના સમયે તેને અટકાવી ગાડી પરથી ઉતારીને પૈસા, ઘરેણા આપી દેવા કહ્યું હતું. તેમણે પૈસા આપવાની ના પાડતાં ખિસ્સામાં હાથ નાખી પૈસા ઝૂંટવવાની કોશિશ કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે દડુભાઈ બાઘાભાઈ વાઘ (ઉ.વ.૪૩)એ અમરસીંગ નાનસીંગ ભાભર, રાકેશ ન્યાલસીંગ ભુરીયા તથા રેવલસીંગ ભાવસીંગ બીલવાલ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ત્રણ દિવસ પહેલા તેઓ રાત્રીના ભેરાઈ ગામેથી તેમની દુકાન બંધ કરી પોતાના ગામ પાટી જતા હતા ત્યારે વાવડી ગામેથી એકાદ કિ.મી. દુર નેસડી-પાટી ગામે જવાના રસ્તે અરવિંદભાઇ બાલાભાઇ સાવલીયા રહે.નેસડી વાળાની વાડીએ ખેતમજૂરી કામ કરતા આરોપીઓએ રસ્તામાં તેમનું મોટર સાયકલ ઉભુ રખાવી પરાણે નીચે ઉતાર્યા હતા. જે બાદ તેમના બંને હાથ પકડી રસ્તા ઉપર પછાડી દઇ આરોપીઓએ તેમની પાસે રોકડા પૈસા, ઘરેણા જે હોય તે આપી દેવાનું કહેતા તેમણે પૈસા નહોતા આપ્યા. જેથી આરોપીઓ તેમના ખિસ્સામાં હાથ નાખી પૈસા ઝુંટવવાની કોશીશ કરી નાસી ગયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એફ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.