અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જીવાપર ગામે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા માટે જગ્યા ફાળવવાની બાબતે ભારે વિવાદ સર્જાયો હતો.
આ મામલે ગામના ઉપસરપંચના પતિને ફોન પર બિભત્સ ગાળો આપી, જાનથી મારી નાખવાની તેમજ ખોટી ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. મહેશભાઇ શામજીભાઇ હીરપરા (ઉ.વ.૪૫)એ વિજયભાઇ માધાભાઇ સરવૈયા તથા સંજયભાઇ માધાભાઇ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, જીવાપર ગામના બે શખ્સો ગામમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માંગતા હતા. આ માટે તેઓએ ફરિયાદી (જેમના પત્ની ગામના ઉપસરપંચ છે) ને ફોન કરીને જગ્યાની માંગણી કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે, “જગ્યા આપવાની મારી પાસે કોઈ સત્તા નથી. જો તમારે જગ્યા જોઈતી હોય તો તલાટી મંત્રી મારફતે મામલતદાર પાસે રેવન્યુ વિભાગમાં માંગણી કરી શકો છો.
તેમની આ સમજાવટ આરોપીઓને પસંદ ન આવતા મામલો બિચક્યો હતો. તેમને ફોન કરી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેમને ફોન કરીને ધમકાવતા કહ્યું હતું કે, “જો તમે પ્રતિમા માટે જગ્યા નહીં આપો તો હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરીશ અને તમને જાનથી મારી નાખીશ.”
આરોપીઓએ માત્ર ફોન પર ધમકી આપીને સંતોષ ન માનતા, ગામના “જીવાપર” નામના વ્હોટ્સએપ ગ્રુપમાં ઉપસરપંચને સંબોધીને અત્યંત અશોભનીય અને ગંદી ગાળો બોલી ઓડિયો ક્લિપ્સ મોકલી હતી. જાહેર ગ્રુપમાં મહિલા જનપ્રતિનિધિ (ઉપસરપંચ) વિરુદ્ધ આવી ક્લિપ્સ વાયરલ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.









































