ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ૩૦ એપ્રિલના રોજ પંજાબ સામેની મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તે ઈન્ડીયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં ૨૫૦ મેચ રમનાર પાંચમો ખેલાડી બન્યો. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં આ સિદ્ધિ મેળવી.આઇપીએલમાં ૨૫૦ કે તેથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં એમએસ ધોની (૨૭૪), રોહિત શર્મા (૨૬૬), વિરાટ કોહલી (૨૬૨) અને દિનેશ કાર્તિક (૨૫૭)નો સમાવેશ થાય છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સના આ સ્ટાર ઓલરાઉન્ડરનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે.
રવિન્દ્ર જાડેજા ૨૦૦૮ થી આઇપીએલ રમી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ચાર આઇપીએલ ટીમો માટે રમી ચૂક્્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જાડેજાનો આ ૧૮૨મો મેચ છે. સીએસકે ઉપરાંત, તેણે રાજસ્થાન રોયલ્સ માટે ૨૭, ગુજરાત લાયન્સ માટે ૨૭ અને કોચી ટસ્કર્સ કેરળ માટે ૧૪ મેચ રમી છે.આઇપીએલમાં જાડેજાના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં ૩૧૨૫ રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે બોલિંગમાં ૧૬૬ વિકેટ લીધી છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં જાડેજા એકમાત્ર ખેલાડી છે જેણે ૩,૦૦૦ થી વધુ રન બનાવ્યા અને ૧૫૦ થી વધુ વિકેટ લીધી. વર્તમાન સિઝનમાં જાડેજાના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ૯ ઇનિંગ્સમાં ૧૨૫.૭૫ ના સ્ટ્રાઇક રેટથી ૧૬૬ રન બનાવ્યા છે. બોલિંગમાં, તેણે ૮.૨૩ ના ઇકોનોમી રેટથી બોલ સાથે છ વિકેટ લીધી છે.
સીએસકે હાલમાં આઇપીએલ ૨૦૨૫ પોઈન્ટ ટેબલમાં નવ મેચમાં ચાર પોઈન્ટ સાથે ૧૦મા ક્રમે છે. પ્લેઓફમાં પહોંચવા માટે, ચેન્નાઈએ અહીંથી બાકીની દરેક મેચ જીતવી પડશે. અહીંથી એક પણ હાર ચેન્નાઈ માટે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે. પંજાબ કિંગ્સ સામેની મેચ પછી, ચેન્નાઈની બાકીની મેચો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હશે. આ મેચ જીતવા માટે ચેન્નાઈએ મેદાન પર પોતાની મજબૂત રમત બતાવવી પડશે.