અમરેલીના ક્રાંકચ ગામે પાણીના અવેડા પાસે રોડ પર ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે પટકાયા બાદ ટ્રોલીનું વ્હીલ ફરી વળતા ૧૦ વર્ષની બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. બાળકીના મોતના પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.આ અંગે મૂળ મધ્યપ્રદેશના સાચેરા ગામના અને હાલ ક્રાંકચ ગામે વાડી વિસ્તારમાં રહેતા શેમાનભાઇ રંગજીભાઇ નિનામા (ઉ.વ. ૪૫) એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી સરીતાબેન (ઉ.વ. ૧૦) ક્રાંકચ ગામે પાણીના અવેડા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે પટકાઈ હતી. તેના પર ટ્રોલીનું વ્હીલ ફરી વળતા ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત થયું હતું. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ મધુભાઇ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.




































