અમરેલી જિલ્લામાં અકસ્માતની વધુ ત્રણ ઘટના બની હતી. બનાવમાં બે લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. હરસુરપુર દેવળીયા ગામે ઓવરટેકની લ્હાયમાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. બનાવ સંદર્ભે બનીયાભાઈ કાળુભાઈ હઠીલાએ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભાઇ મરણજનાર પ્યારસિંહ કાળુભાઇ હઠીલા  પોતાનું મોટર સાઇકલ લઇને લાઠી ખાતે તેના મહેમાનને મૂકી ચિતલ બાજુ પોતાના ઘરે જતા હોય ત્યારે હરસુરપુર દેવળીયા ગામ પાસે આવેલ પુલે પહોચતા કોઇ અજાણ્યા ટ્રેકટરના ચાલકે ઓવરટેક કરવા જતા તેમના ભાઇની મોટર સાઇકલ સાથે ભટકાવ્યું હતું. જેમાં તેના ભાઇ મરણજનારનો જમણો પગ ગોઠણના ભાગે કપાઇ જતા તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઇજા થતાં તેના ભાઇનું મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં રાજુલાના જુની બારપટોળી ગામે રહેતા લાલાભાઈ મીઠાભાઈ લાખણોત્રાએ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના કાકાના દીકરા કનુભાઈ નાથાભાઈ લાખણોત્રા તેનું મોટર સાઇકલ લઈ બારપટોળી ગામેથી કોવાયા ગામે નોકરી પર જતા હતા. તે સમયે લોઠપુર-કોવાયા રોડ પર કરાળના હનુમાનદાદા પાસે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. જેમાં માથાને ભાગે વ્હીલ ચડી જતાં ખોપરી છુંદાઈ ગઈ હતી અને મોત નિપજાવી ચાલક ફરાર થઈ ગયો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.આર. છોવાળા વધુ તપાસ કરી રહ્યા છે. અકસ્માતના ત્રીજા બનાવમાં વેણીવદર ગામે રહેતા રામજીભાઈ વલ્લભભાઈ જાદવ (ઉ.વ.૪૦)એ ફોરવ્હીલ નંબર જીજે-૨૬-એફ-૬૨૬૬ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેની ફોર વ્હીલ પુરઝડપે ચલાવી આવી તેમને પછાડી માથાના ભાગે તથા શરીરે અન્ય ઈજા કરી નાસી ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.