પુણેની એક સિવિલ કોર્ટે અભિનેતા અક્ષય કુમાર, અરશદ વારસી અને દિગ્દર્શક સુભાષ કપૂરને તેમની આગામી ફિલ્મ ‘જાલી એલએલબી ૩’ ના સંદર્ભમાં એડવોકેટ વાજેદ રહીમ ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સમન્સ જારી કર્યા છે. કોર્ટે ત્રણેયને ૨૮ ઓક્ટોબરે સવારે ૧૧ વાગ્યે રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. તાજેતરમાં જ, અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘જાલી એલએલબી-૩’ નું ટીઝર બહાર આવ્યું છે. જેમાં બંને સ્ટાર્સ કોર્ટ-કોર્ટ રમતા જાવા મળ્યા હતા. આ ટીઝરમાં જ કેટલાક સંવાદો છે, જેના સંદર્ભમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વકીલ વાજીદ રહીમ ખાનના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી તેમના દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ફિલ્મ ન્યાય પ્રણાલીની મજાક ઉડાવે છે અને કોર્ટની કાર્યવાહીનો અનાદર કરે છે. અરજીમાં, તેમણે કાનૂની વ્યવસાયના નકારાત્મક ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યો હતો અને એક દ્રશ્ય પર ચિંતા વ્યક્ત કરી હતી જેમાં ન્યાયાધીશોને મામા તરીકે ઓળખવામાં આવ્યા છે, જે અપશબ્દો છે.
વાજીદ રહીમે કહ્યું, ‘વકીલોનું સન્માન કરવું જાઈએ. એટલા માટે મેં કોર્ટમાં અરજી દાખલ કરી છે કે વકીલો અને ન્યાયાધીશો વિશે જે કંઈ બતાવવામાં આવ્યું છે તે ખોટું છે… મેં પુણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. અને કોર્ટે અક્ષય કુમાર, અરશદ વાલ્સી અને દિગ્દર્શકને હાજર થવા કહ્યું છે.’ આ ફરિયાદ મૂળ ૨૦૨૪ માં ફિલ્મના પ્રથમ ટીઝરના રિલીઝ પછી દાખલ કરવામાં આવી હતી. ‘જાલી એલએલબી ૩’ આ ફિલ્મ ફ્રેન્ચાઇઝનો નવીનતમ ભાગ છે. અભિનેતા અરશદ વારસી અભિનીત પ્રથમ ભાગ બોક્સ ઓફિસ પર સ્લીપર હિટ રહ્યો હતો. અક્ષય કુમાર અભિનીત ફિલ્મની સિક્વલ ૨૦૧૭ માં બોક્સ ઓફિસ પર ‘સુપરહિટ’ જાહેર થઈ હતી.
લગભગ આઠ વર્ષના અંતરાલ પછી, ફ્રેન્ચાઇઝના નિર્માતાઓ જાલી એલએલબીના ત્રીજા ભાગ સાથે પાછા ફર્યા છે, જેમાં અક્ષય કુમાર અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં છે. તે સુભાષ કપૂર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે અને સ્ટાર સ્ટુડિયો ૧૮ ના બેનર હેઠળ આલોક જૈન અને અજિત અંધારે દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત જાલી એલએલબી ૩ નું બહુપ્રતિક્ષિત ટીઝર ૧૨ ઓગસ્ટના રોજ રિલીઝ થયું હતું.
૨૦૧૭ માં, અક્ષય અને હુમા કુરેશીએ ‘જાલી એલએલબી ૨’ માં અભિનય કર્યો હતો, જે ૨૦૧૩ માં રિલીઝ થયેલી ‘જાલી એલએલબી’ ની સિક્વલ છે. પહેલી ફિલ્મમાં અરશદ અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં હતા. પહેલા ભાગમાં અમૃતા રાવ પણ હતા.