કોડીનાર એસટી ડેપો દ્વારા સંચાલિત કોડીનાર-ભાવનગર (વાયા ઊના, મહુવા) રૂટની બસ સેવા છેલ્લા કેટલાક વર્ષોથી ટૂંકાવી દેવાતા સ્થાનિક મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ આ બસ સેવા ભાવનગર સુધી જતી હતી, પરંતુ હાલ તેને માત્ર મહુવા સુધી જ મર્યાદિત કરી દેવામાં આવી છે.અગાઉ આ બસ સવારે ૫ઃ૪૫ કલાકે ઉપડીને બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે ભાવનગર પહોંચી જતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ સમયસર પોતાનું કામ પતાવી શકતા હતા. હાલ ભાવનગર જવા માટે મુસાફરોએ સવારે ૭ઃ૧૫ વાગ્યે આવતી વડોદરા રૂટની બસ પર આધાર રાખવો પડે છે, જે બપોરે ૨ઃ૦૦ વાગ્યે ભાવનગર પહોંચાડે છે. આ વિલંબને કારણે મુસાફરોનો આખો દિવસ વેડફાય છે. વળી, ભાવનગરથી પરત આવવા માટે પણ સાંજે છેક ૭ઃ૦૦ વાગ્યાની પોરબંદરવાળી બસની રાહ જોવી પડે છે.









































