ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ અધિક્ષક દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસને ઉના બાયપાસ પરથી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષકની સૂચનાથી કોડીનાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન એ.એસ.આઈ. પ્રફુલભાઈ જેસીંગભાઈ અને હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બાતમી વાળી અલ્ટો કારને આંતરી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૯૧ સીલપેક બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.૪૮,૨૦૦ ની કિંમતનો દારૂ, રૂ.૮૦,૦૦૦ ની કિંમતની કાર અને રૂ.૫,૦૦૦ નો મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૩,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ ગુનામાં અજયભાઈ રામસિંહભાઈ બામણીયા (રહે. નવાગામ, તા. સૂત્રાપાડા) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો હિતેશભાઈ અમરાભાઈ સોંદરવા (રહે. મોટા ગામ, તા. ઉના) એ ભરી આપ્યો હતો. પોલીસે હિતેશ સોંદરવાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે તપાસ તેજ કરી છે. આ સફળ કામગીરી કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પ્રદીપસિંહ, હેડ કોન્સ્ટેબલ અભિજીતસિંહ, કનુભાઈ તથા અન્ય પોલીસ જવાનો દ્વારા કરવામાં આવી હતી.









































