કોડીનાર તાલુકાના માલગામમાં બે માસથી પાણીની ગંભીર સમસ્યાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. આ અંગે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કોઇ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. ડોળાસા નજીકના માલગામમાં બે જગ્યાએથી પાણી આપવામાં આવતું હતું. જામવાળા ડેમની પાઇપલાઇનથી અને જરૂર પડ્યે નર્મદા પાઇપલાઇન દ્વારા પાણી અપાય છે. પણ અગમ્ય કારણોસર બે માસથી પાણી આપવામાં આવતું નથી. પાણી પુરવઠા બોર્ડના કોઈ અધિકારી માલગામ આવતા નથી. માલગામ ખાતે દોઢ વર્ષથી પંચાયતની મુદ્ત પૂરી થઈ છે, પણ ચૂંટણી જાહેર ન થતાં હાલ વહીવટદાર આ ગામનું સંચાલન કરે છે. તેમણે પણ ગામ માટે પાણીનો જથ્થો વધારવાની માંગ એપ્રિલ માસમાં કરી હતી. વહીવટદારે જામવાળાની પાઇપલાઇનમાં ગેરકાયદે નળ કનેકશનના કારણે પાણીનો જથ્થો ગામના ટાંકા સુધી પહોંચતો નથી તેવા લોકોને નોટિસ પાઠવવા તલાટીને જણાવ્યું છે. હાલ માલગામની મહિલાઓ જીવના જોખમે પાણીના ટાંકા ઉપર ચડી દોરડા વડે પાણી સીંચી ડોળું અને ગંદુ પાણી વપરાશ માટે એકઠું કરે છે. આ સમસ્યા બે દિવસમાં નહિ ઉકેલાય તો ગામની મહિલાઓ બેડા સરઘસ કાઢી કોડીનાર મામલતદાર કચેરીએ જઈને રજૂઆત કરશે.