ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કોડીનાર ડેપોની દીવ–વેરાવળ રૂટની બસમાં ફરજ બજાવતા કંડક્ટરની પ્રમાણિકતાનો એક સરાહનીય દાખલો સામે આવ્યો છે. આ રૂટ પર કેસરિયા તરફથી વેરાવળ જવા નીકળેલા મુસાફર સોલંકી જયંતીભાઈ ભીખાભાઈનો મોબાઈલ ફોન મુસાફરી દરમિયાન બસમાં જ ભૂલાઈ ગયો હતો. બસમાં ફરજ પર હાજર કંડક્ટર મનુભાઈ ચૌહાણને આ મોબાઈલ મળતા તેમણે તાત્કાલિક માલિકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ માલિકનો સંપર્ક ન થતાં કંડક્ટરે આ મોબાઈલ પોતાના ઉપરી અધિકારીઓને જમા કરાવ્યો હતો. ટ્રાફિક ઓફિસર સુપરવાઈઝર ધર્મેન્દ્રભાઈ નિમાવત અને એટીઆઈ કરસનભાઈ અજીતભાઈની હાજરીમાં આ મોબાઈલ સત્તાવાર રીતે જમા લેવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી મોબાઈલ સુરક્ષિત રીતે પરત મળતા જયંતીભાઈએ કંડક્ટર તથા એસટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.