કોડીનાર-અમરેલી હાઇવે પર ઘાંટવડ અને જામવાળા વચ્ચેના પુલ પર તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને મોટા વાહનો માટે રસ્તો બંધ કરાતા સ્થાનિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈકલ્પિક ડાયવર્ઝનની વ્યવસ્થા ન કરાતા, ભારતીય કિસાન સંઘ, કોડીનાર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ઘાંટવડ-જામવાળા રોડ પરના પુલ પર બેરિકેડ લગાવવાથી ખેડૂતોને પોતાના પાકને કોડીનાર માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત, આ વિસ્તારના ખેડૂતોના બાળકો જેઓ અભ્યાસ માટે અવરજવર કરે છે, તેમને પણ મુશ્કેલી પડી રહી છે કારણ કે એસ.ટી બસની સુવિધા પણ બંધ થઈ ગઈ છે. આથી સંઘના પ્રમુખ રામસિંહભાઈ પરમાર અને તાલુકા મંત્રી જસવંતસિંહ ઝાલાએ કોડીનાર મામલતદારને રૂબરૂમાં અને લેખિતમાં આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.