કોડીનાર ડેપોની કોડીનાર અમરેલી વાયા જામવાળા દલખાણીયા રૂટની એકમાત્ર અને આ પંથકની ખૂબ જ ઉપયોગી બસ સેવા ચોમાસામાં ખરાબ રસ્તાના કારણે બંધ કર્યા બાદ દિવાળી બાદ ફરીથી શરૂ કરવા જામવાળા ઘાંટવડ પંથકની ખૂબ જ માંગ હોવા ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ દ્વારા વિભાગીય કચેરી અમરેલીને અનેકવાર લેખિત અને ટેલીફોનીક રજૂઆત કરવા છતાં આ બસ સેવા ફરીથી શરૂ કરાઈ નથી. ઘાંટવડના જાગૃત પત્રકાર દ્વારા અમરેલી એસટી વિભાગના વિભાગીય અધિકારીને ફોન કરતા આ અધિકારી દ્વારા ‘જોવરાવી લઉં છુ’ તથા કોડીનાર ડેપોને આદેશ કરી દીધો છે તેવો જવાબ આપવામાં આવે છે ત્યારે કોડીનાર એસ.ટી સતાવાળાઓ તેમના ઊપરી અધિકારીના આદેશને પણ ઘોળીને પી જાય છે. શબ્બીરભાઈ દ્વારા કોડીનાર એસ.ટી અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓ જામવાળા વચ્ચે રસ્તો બંધ છે તેઓ ઊડાઊ જવાબ આપે છે જ્યારે બીજી તરફ કોડીનાર ડેપોની જ બપોરની બસ જામવાળાનો ફેરો પણ કરે છે. જે સ્પષ્ટ બતાવે છે કે કોડીનાર ડેપોના સ્ટાફને આ બસ ચલાવવી નથી.











































