કોડીનાર તાલુકાના વડનગર ખાતે આવેલી અંબુજા સિમેન્ટ કંપનીના ગુજરાત પ્રાંતના કર્મચારીઓ સહિત અન્ય કર્મચારીઓની રાજ્ય બહારના સિમેન્ટ પ્લાન્ટમાં બદલી કરાતાં કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો. આ બદલી આદેશો બંધ રાખવા મામલતદાર મારફત કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું કે જ્યારે કંપનીની સ્થાપના થઈ ત્યારે ખેડૂતોએ જમીન આપવા સહિતનો સહયોગ આપ્યો હતો તેના બદલામાં કંપનીએ રોજગારી સ્વરૂપે વડનગર પ્લાન્ટમાં નોકરી આપી હતી. હવે અંબુજા સિમેન્ટ કંપનીએ અન્ય કંપનીને કારોબાર સોંપી દીધા પછી કર્મચારીઓની માનસિક પરેશાની ચાલુ થઈ છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. બદલી થયેલા કેટલાય કર્મચારીઓને હવે નોકરીના પાંચ-સાત વર્ષ જ બાકી છે, તેમના પર પારિવારિક મોટી જવાબદારીઓ છે, તેમને અન્ય રાજ્યમાં ધકેલી દેવાનો આદેશ થતા ચિંતામાં મુકાયા છે. કર્મચારીઓ કહે છે કે બદલીનો નિર્ણય લઈ મેનેજમેન્ટે નોકરી છોડવા પરોક્ષ રીતે મજબૂર કરતા હવે તેઓ મરવા મજબૂર થયા છે. આવા સંજોગોમાં આવેદનપત્રમાં યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્‌સના ક્લોઝ ૧ થી ૩૦ના બંધારણીય જોગવાઈ મુજબ પગલા લેવા રજૂઆત થઈ છે. જો નક્કર પરિણામ નહીં આવે તો કર્મચારીઓ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવશે.