વિશ્વ સિંહ દિવસ અને ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા મિશન’ના ઉપક્રમે કોડીનાર શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર કુમાર અને કન્યાશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈને શહેરના મુખ્ય માર્ગો પર આ યાત્રા કાઢી હતી, જેનાથી સમગ્ર શહેરમાં ગૌરવપૂર્ણ અને દેશભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આયોજિત આ યાત્રામાં મામલતદાર, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, મુસ્લિમ અગ્રણીઓ અહેસાન હૈદર નકવી અને રફીકભાઈ જુનેજા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના સભ્યો અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.યાત્રા દરમિયાન, ‘ભારત માતા કી જય’ના જયઘોષથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું, જેણે લોકોમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. આ આયોજનથી કોડીનારની એકતા અને રાષ્ટ્રપ્રેમનો ઉત્તમ દાખલો જોવા મળ્યો હતો, જે અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.