કોડીનાર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રૂ. ૧૦ની ચલણી નોટો અને સિક્કાની ભારે અછત સર્જાતા વેપારીઓ અને સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાના ઉકેલ માટે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પત્ર પાઠવી તાત્કાલિક પૂરતો જથ્થો ફાળવવા માંગ કરવામાં આવી છે. હાલમાં બજારમાં રૂ. ૧૦ની નોટ કે સિક્કા ન મળવાને કારણે છૂટક વ્યવહારમાં મોટી સમસ્યા ઊભી થઈ છે. ગ્રાહકોને પરચૂરણ પાછું આપવામાં વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠલાણીએ જણાવ્યું હતું કે, એક તરફ બજારમાં મંદીનો માહોલ છે, તો બીજી તરફ પરચૂરણની અછતને કારણે વેપાર પર માઠી અસર પડી રહી છે. નાના-મોટા તમામ વેપારીઓ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ અછત અંગે જ્યારે કોડીનારની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખામાં તપાસ કરવામાં આવી, ત્યારે સ્થાનિક અધિકારીઓએ પણ લાચારી વ્યક્ત કરી હતી. બેંકના જણાવ્યા અનુસાર બેંક પાસે પણ લાંબા સમયથી રૂ.૧૦ની નોટ કે સિક્કાનો નવો સ્ટોક આવ્યો નથી. સ્થાનિક શાખા દ્વારા અગાઉથી જ RBI પાસે માંગણી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જથ્થો ફાળવવામાં આવ્યો નથી. કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સે RBIને મોકલેલા પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, વહેલી તકે રૂ.૧૦ના સિક્કા અને નોટોની વ્યવસ્થા કરવામાં આવે.