ગીર પંથકમાં પડેલા અવિરત વરસાદને પગલે કોડીનારનો જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા ખાતે શીંગવડા નદી પર આવેલા આ ડેમના ત્રણ દરવાજા ૦.૩૦ મીટર (૧ ફૂટ) ખોલવામાં આવ્યા છે, જેના કારણે પ્રતિ સેકન્ડ ૩૩૬૮ ક્યુસેક પાણીનો પ્રવાહ શીંગવડા નદીમાં વહી રહ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કોડીનાર શહેર સહિત નદી કાંઠાના ૨૨ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને લોકોને નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. શીંગવડા નદીનું વિપુલ માત્રામાં પાણી પણ મળે છે. સિઝનના પ્રથમ વરસાદથી જ ડેમમાં આખા વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું છે, જેનાથી કોડીનાર શહેર અને તાલુકાના ૧૯ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને ૧૨ ગામોને સિંચાઈ માટે પાણી મળે છે. ડેમની કુલ સપાટી ૧૮.૮૦ મીટર (૬૧.૬૮ ફુટ) છે જે પૈકી ૧૮.૧૫ મીટર (૫૮ ફૂટ) ભરાતા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.