કોડીનાર સ્થિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, ભવ્યરાજ ચાવડા અને વીર જોટવા દિલ્હીના બાલભવન ખાતે ૧૫-૧૬ નવેમ્બરના યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ‘કલાઉત્સવ’ માં ‘લોકવાર્તા’ વિભાગમાં પુણે રિજીયનનું પ્રતિનિધિત્વ કરશે. આ બંને યુવા કલાકારોએ લોકવાર્તા વિષયમાં ‘હમીરજી ગોહિલ’ની વીરરસથી ભરપૂર ગાથાને પોતાની કલાનું માધ્યમ બનાવી છે. ગયા ઓગસ્ટ માસમાં મહારાષ્ટ્રના ચંદ્રપૂર ખાતે આયોજિત સંભાગીય કલાઉત્સવમાં, ભવ્યરાજ અને વીર દ્વારા ગુજરાતી ભાષામાં રજૂ કરાયેલું આ પ્રદર્શન એટલું પ્રભાવશાળી હતું કે તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રની કુલ ૬૪ નવોદય વિદ્યાલયોમાંથી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.









































